જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં 3 જિલ્લા જમ્મુ ડિવિઝનમાં છે જ્યારે 3 જિલ્લા ઘાટીમાં સામેલ છે. આ તબક્કામાં પ્રમુખ ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, જેકેપીસીસી અધ્યક્ષ તારિક હામિદ કર્રા અને ભાજપ જમ્મુ કાશ્મીર પ્રમુખ રવિન્દ્ર રૈના સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

239 ઉમેદવારો મેદાનમાં
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. આજે બીજા તબક્કાના મતદાનમાં 26 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ 26 બેઠકો માટે કુલ 239 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કાના મતદાનમાં જમ્મુની 11 બેઠકો અને કાશ્મીર ખાટીની 15 બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 



આ સીટ પર બધાની નજર
બીજા તબક્કાના મતદાનમાં શ્રી માતા વૈષ્ણોદેવી સીટ પર બધાની નજર રહેશે. આ સીટ માટે ભાજપના બલદેવ રાજ શર્મા, કોંગ્રેસના ભૂપિન્દર સિંહ, જેકેપીડીપીના પ્રતાપ કૃષ્ણ શર્મા મેદાનમાં છે. 


5 પૂર્વ મંત્રી મેદાનમાં
બીજા તબક્કાના મતદાનમાં 26 વિધાનસભા બેઠકોના 239 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ભાજપના જમ્મુ કાશ્મીર પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈના રાજૌરી જિલ્લાની નૌશેરા સીટથી ફરી ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત બીજા તબક્કામાં પાંચ પૂર્વ મંત્રી અને 10 પૂર્વ વિધાયકો પણ મેદાનમાં છે. 



16 દેશના ડિપ્લોમેટ્સ જોશે ચૂંટણી
જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન 16 અલગ અલગ દેશોમાંથી 20 રાજનયિકો શ્રીનગર પહોંચ્યા છે. આ તમામ શ્રીનગરની સાથે સાથે બડગામમાં પણ મતદાન કેન્દ્રોની મુલાકાત લેશે. આ યાત્રાની વ્યવસ્થા વિદેશ મંત્રાલયે કરી છે. વિદેશી મહેમાનોમાં અમેરિકા, રશિયા, યુરોપિયન સંઘના પ્રતિનિધિઓ સામેલ છે. જો કે આ યાત્રાને લઈને પહેલેથી જ વિવાદ છે. કારણ કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે જો જમ્મુ કાશ્મીર એક આંતરિક મામલો અને અભિન્ન અંગ હોય તો વિદેશી રાજનયિકોને કાશ્મીર કેમ લાવવામાં આવી રહ્યા છે. 


કડક સુરક્ષા બંદોબસ્ત
26 વિધાનસભા મતવિસ્તારોમાં 3500 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેના પર 13000થી વધુ મતદાન કર્મચારીઓને તૈનાત કરાયા છે. કોઈ પણ અપ્રિય ઘટનાથી બચવા માટે મોટી સંખ્યામાં પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ, અને કેન્દ્રીય સશસ્ત્ર અર્ધસૈનિક દળના જવાનોની તૈનાતી કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે દરેક મતદાન કેન્દ્રની આસપાસ મલ્ટીલેયર સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે. જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે બીજા તબક્કાનું મતદાન ભયમુક્ત વાતાવરણમાં થાય.