J&K: પાછું સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડ્યું, 2 સૈનિકોએ જીવ ગુમાવ્યા, 3 ઘાયલ, બાંદીપોરા ગ્રાઉન્ડ ઝીરો પર મોટી દુર્ઘટના
એક જ અઠવાડિયામાં ફરીથી બીજો અકસ્માત થયો. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં સેનાનું વાહન ખાઈમાં ખાબક્યું અને સૈનિકોના જીવ ગયા. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શનિવારે વુલર વ્યૂપોઈન્ટ પાસે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખાઈમાં પડ્યું. આ અકસ્માતમાં 2 સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ત્રણ સૈનિકો ઘાયલ થયા છે. દુર્ઘટના બાદ ઘાયલ સૈનિકોને બાંદીપોરા જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
લેટેસ્ટ માહિતી મુજબ જિલ્લા હોસ્પિટલ બાંદીપોરાના ચિકિત્સા અધીક્ષક ડો. મસરત ઈકબાલ વાનીએ જણાવ્યું કે 5 ઘાયલોને અહીં લાવવામાં આવ્યા હતા જેમાંથી 2 મૃત લવાયા હતા, 3 લોકોની હાલત ગંભીર હતી. જેમને સારા ઈલાજ માટે શ્રીનગર રેફર કરવામાં આવ્યા છે.
અકસ્માતની જાણકારી આપતા સેનાના અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તરી કાશ્મીર જિલ્લાના એસકે પાયન પાસે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ખાઈમાં પડ્યું. ઈકબાલે કહ્યું કે ગંભીર રીતે ઘાયલ ત્રણ સૈનિકોને હોશમાં લાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમને શ્રીનગર રેફર કરાયા. ડ્રાઈવરનો વાહન પર કાબૂ ગુમાવવાથી આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે.
એક જ અઠવાડિયામાં બીજો અકસ્માત
અત્રે જણાવવાનું કે 5 દિવસમાં આવો આ બીજો અકસ્માત થયો છે. 31 ડિસેમ્બરે પણ સેનાનું વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ અકસ્માત પૂંછ જિલ્લાના મેંઢરમાં એલઓસી પાસે બલનોઈ વિસ્તારમાં થયો હતો. આ અકસ્માતમાં સેનાનું વાહન લગભગ 100 ફૂટ ઊંડી ખાઈમાં જઈને ખાબક્યું હતું. જેમાં 5 સૈનિકોના દર્દનાક મોત થયા હતા અને 5 ગંભીર રીતે ઘાયલ થયા તા. 24 ડિસેમ્બરે પણ પૂંછ જિલ્લાના બલનોઈ સેક્ટરમાં 2 સેનાના વાહન 300 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યા હતા.