જમ્મુ અને કાશ્મીરમાં આજે વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 24 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાનની પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પહેલા તબક્કામાં દક્ષિણ કાશ્મીરના 4 જિલ્લા પુલવામા, શોપિયા, અનંતનાગ અને કુલગામમાં જ્યારે જમ્મુના 3 જિલ્લા ડોડા, કિશ્તવાડ, અને રામબનમાં મતદાન થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે 7 વાગે શરૂ થયું મતદાન
રાજ્યમાં આર્ટિકલ 370ની જોગવાઈઓ નાબૂદ થયા બાદ તે બે યુનિયન ટેરિટરીમાં વહેંચાઈ ગયું. લાંબા સમય બાદ વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે. આજે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં  રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની 8 બેઠકો સામેલ છે. 



કડક સુરક્ષા વ્યવસ્થા
પહેલા તબક્કાના મતદાન માટે રાજ્યમાં સુરક્ષાદળો અને એજન્સીઓએ કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ વિશેષ વ્યવસ્થા કરી છે. જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. 



13 પાર્ટીઓમાં મુકાબલો
જમ્મુ અને કાશ્મીરમાં પહેલા તબક્કાનું મતદાન આજે એટલે કે 18 સપ્ટેમ્બરે થઈ રહ્યું છે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બર અને ત્રીજા ફેઝમાં 1 ઓક્ટોબરે મત પડશે. આ તમામ તબક્કાના મતદાનનું પરિણામ 8 ઓક્ટોબરે આવશે. 90 સીટોવાળી વિધાનસભામાં બહુમત માટે 13 મુખ્ય પક્ષોમાં મુકાબલો થઈ રહ્યો છે. સ્થાનિક પક્ષોમાં મહેબુબા મુફ્તીના નેતૃત્વવાળી પીડીપી અને ઉમર અબ્દુલ્લાના નેતૃત્વવાળી નેશનલ કોન્ફરન્સ આ ચૂંટણીમાં મુખ્ય રીતે મેદાનમાં છે. નેશનલ કોન્ફરન્સ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. 


219 ઉમેદવારોનું ભાવિ થશે કેદ
પહેલા તબક્કામાં જે સાત જિલ્લાની 24 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં 219 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થઈ જશે. મતદાનની પ્રક્રિયા શરૂ થતા પહેલા સુરક્ષાદળો વિસ્તારમાં આવતા તમામ વાહનોની તપાસ કરી રહ્યા હતા. 7:32 AM 9/18/2024