શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના આતંક પ્રભાવિત ચાર જિલ્લાઓની નગર નિગમની ચૂંટણીમાં ભાજપે 132 વોર્ડમાથી 53માં જીત હાંસલ કરી છે. અહીં તાજેતરમાં ચાર તબક્કામાં મતદાન યોજાયું હતું. ચૂંટણી અધિકારીઓએ આ જાણકારી આપી. ભાજપની અભૂતપૂર્વ જીતથી ચાર જિલ્લાઓ અનંતનાગ, કુલગામ, પુલવામા અને શોપિયાની 20 નગર નિગમોની ચૂંટણીમાંથી ઓછામાં ઓછી પાર્ટીએ 4 પર કબ્જો જમાવ્યો છે. દક્ષિણ કાશ્મીરના 94 વોર્ડનું પરિણામ અત્યાર સુધી જાહેર થયું છે. જેમાં કોંગ્રેસ 28 સીટો જીતવામાં સફળ રહી છે. આ પ્રકારે પાર્ટીએ ઓછામાં ઓછા 3 નગર નિગમો પર પોતાનું નિયંત્રણ કર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય જનતા પાર્ટીએ શોપિયામાં સારું પ્રદર્શન કર્યું છે. જ્યાં 12 વોર્ડમાં તેમના ઉમેદવારો નિર્વિરોધ ચૂટાયા હતાં. જિલ્લાના પાંચ વોર્ડમાં કોઈએ નામાંકન દાખલ કર્યુ નહતું. દેવસર નગર નિગમમાં પાર્ટીએ તમામ આઠ બેઠકો પર જીત મેળવી છે. આ ક્ષેત્રથી કોંગ્રેસના નેતા મોહમ્મદ અમીન ભટ વિધાનસભા સભ્ય છે. 


કાઝીગુંડ નગર સમિતિમાં ભાજપને સાધારણ બહુમત મળ્યું અને સાત વોર્ડમાથી ચારમાં જીત મેળવી. 3 અન્ય વોર્ડમાં કોઈ ઉમેદવાર મેદાનમાં નહતો. પહેલગામ નગર સમિતિમાં પાર્ટીએ 13 બેઠકો પર કબ્જો જમાવ્યો. જ્યારે છ સીટો પર કોઈ ઉમેદવાર નહતો. 


બીજી બાજુ કોંગ્રેસે ડૂરુ નગર નિગમમાં જબરદસ્ત જીત મેળવી જે જેકેપીસીસી પ્રમુખ જી એ મીરનો મજબુત ગઢ છે. પાર્ટીએ 17માંથી 14 સીટો મેલવી જ્યારે  ભાજપને ફાળે બે સીટ ગઈ છે. એક સીટ ખાલી રહી. કોંગ્રેસે કેરનાગ નગર નિગમમાં આઠમાંથી 6 સીટો પર જીત મેળવી. યરીપોરામાં પાર્ટીએ 3 સીટો મેળવી જ્યારે બાકીમાં ઉમેદવારો મેદાનમાં ન હોવાના કારણે ખાલી રહી. ચૂંટણીમાં 13 સીટો પર અપક્ષોએ જીત મેળવી છે. 


શનિવારે મોડી સાંજ સુધીમાં પરિણામો આવવાની આશા છે. આ ઉપરાંત કોંગ્રેસે છ સીટો સાથે બડગામ નગર નિગમ પર જીત મેળવી જ્યારે ભાજપે ચાર સીટો પર જીત મેળવી જ્યારે 3 ખાલી રહી. ચરાર એ શરીફમાં કોંગ્રેસે 13માંથી 11 બેઠકો મેળવી જ્યારે બે સીટો ખાલી રહી. ચડોરામાં પાર્ટીએ આઠમાંથી 6 સીટો મેળવી જ્યારે અન્ય પાંચ સીટો પર કોઈ ઉમેદવારો મેદાનમાં ન હતાં.