J&K: ડોડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં અધિકારી સહિત 4 જવાન શહીદ, કાશ્મીર ટાઈગર્સે લીધી જવાબદારી
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું. ન્યૂઝ એજન્સીએ અધિકારીઓના હવાલે જણાવ્યું કે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસનો SOG જવાનોએ સોમવારે મોડી સાંજે ડોડા શહેરથી લગભગ 55 કિમી દૂર દેસા વન ક્ષેત્રમાં ધારી ગોટે ઉપારબાગીમાં એક જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
થોડીવાર બાદ ફાયરિંગ પછી આતંકીઓએ ભાગવાની કોશિશ કરી. એક અધિકારીના નેતૃત્વમાં બહાદુર સૈનિકોએ પડકારભર્યા વિસ્તારમાં ગાઢ જંગલો વચ્ચે તેમનો પીછો ક ર્યો. ત્યારબાદ રાતે 9 વાગ્યાની આજુબાજુ જંગલમાં વધુ એક અથડામણ થઈ. અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણમાં પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. મંગળવારે સવારે એક અધિકારી સહિતમાંથી ચાર લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો.
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ ક્ષેત્રમાં અનેક સ્થાનો પર થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળો હાઈ એલર્ટ પર છે. 16 આર્મી કોર, જેને વ્હાઈટ નાઈટ કોરના નામથી પણ ઓળખવામાં આવે છે તેમણે કહ્યું કે વધારાના સૈનિકોને ડોડાના અથડામણ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે ડોડા હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન જૈશ એ મોહમ્મદનું જ ઓફ શૂટ છે જેણે હાલમાં જ કઠુઆમાં સેનાના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી.
જમ્મુ ડિવિઝનના ડોડામાં આ એક મહિનાની અંતર આતંકવાદીઓ સાથે અથડામણની પાંચમી ઘટના છે. આ અગાઉ 9 જુલાઈના રોજ એક એન્કાઉન્ટર થયું હતું. ગત મહિને 26 જૂનના રોજ એક આતંકી હુમલો થયો હતો અને 12 જૂનના રોજ બે હુમલા થયા હતા. આ તમામ હુમલા બાદ આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ થઈ હતી.