BJP સાથે ગઠબંધન તૂટ્યા બાદ પહેલીવાર બોલ્યા મહેબુબા, અમિત શાહના નિવેદન પર કર્યો પલટવાર
જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી-ભાજપનું ગઠબંધન ખતમ થયા બાદ પહેલીવાર પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ જવાબ આપ્યો છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી-ભાજપનું ગઠબંધન ખતમ થયા બાદ પહેલીવાર પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ જવાબ આપ્યો છે. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર પલટવાર કર્યો. મહેબુબા મુફ્તીએ આ અલાયન્સના તૂટવા મુદ્દે એક બાદ એક અનેક ટ્વિટ કરીને તમામ આરોપોનો જવાબ પણ આપ્યો. આ અગાઉ ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ સતત પીડીપી પર આકરા પ્રહારો કરી રહી હતી.
પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ આજે ભાજપના આરોપો પર પલટવાર કરતા કહ્યું કે અમે હંમેશા ગઠબંધન મુજબ સરકાર ચલાવી. ભાજપે અમારા પર અનેક ખોટા આરોપ લગાવ્યાં છે. 370 પર સ્થિતિ અને પથ્થરબાજો વિરુદ્ધ કેસ પાછા લેવાની વાત પહેલેથી નક્કી હતી. કાશ્મીરમાં આ ગઠબંધનનો એજન્ડા રામ માધવે તૈયાર કર્યો હતો. રાજનાથ સિંહ જેવા નેતાઓએ પણ તેને મંજૂરી આપી હતી.
મહેબુબાએ કહ્યું કે ગઠબંધનના એજન્ડામાં આર્ટિકલ 370ની યથાસ્થિતિ, પાકિસ્તાન અને હુર્રિયત સાથે વાતચીતને આગળ વધારવા, પથ્થરબાજો વિરુદ્ધના કેસ પાછા ખેંચવા જેવાની સાથે જ્યારે જરૂર પડે ત્યારે તે મુજબ સિઝફાયરને લાગુ કરવાની વાત કરવામાં આવી હતી. સાથે સાથે ઘાટીમાં વિશ્વાસ બહાલીનો માહોલ પણ તૈયાર કરવાની વાત કરવામાં આવી હતી.
જમ્મુ અને લદ્દાખ સાથે સાવકો વ્યવહાર રાખવાની વાત નકારી
મહેબુબાએ કહ્યું કે આ આરોપ બિલકુલ ખોટા છે. અમે જમ્મુ અને લદ્દાખ વિસ્તાર સાથે ખરાબ વ્યવહાર કર્યો તે ખોટું છે. એ વાત બિલકુલ સાચી છે કાશ્મીરમાં ઘણા સમયથી અશાંતિ છે. આ ઉપરાંત 2014માં આવેલા પૂરના હાલાતે વધુ હાલત બગાડી. આથી ઘાટીમાં અટેન્શનની જરૂર હતી. પરંતુ તેનો અર્થ એ નથી કે અમે બીજા વિસ્તારો પર ધ્યાન આપ્યું નથી.
ભાજપે કર્યા હતાં આકરા પ્રહારો
આ અગાઉ ભાજપ અને તેના અધ્યક્ષ અમિત શાહ તરફથી કહેવાયું હતું કે કાશ્મીરમાં હવે સરકાર ચલાવવી તેમના માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં એક રેલીમાં શનિવારે કહ્યું હતું કે તમામ રાષ્ટ્રવાદી જમ્મુ અને કાશ્મીરને પ્રેમ કરે છે પરંતુ ભાજપ માટે આ જોડાવ વધુ મજબુત છે કારણ કે અમારા સંસ્થાપકે આ માટે જીવન કુરબાન કર્યું.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે પાર્ટી માટે સત્તામાં બની રહેવું કોઈ મહત્વ ધરાવતું નથી. શાહે કહ્યું હતું કે જો દેશમાં ક્યારેય સરકાર પડે તો રાજકીય પક્ષો દુખ વ્યક્ત કરે છે. પરંતુ ભાજપ જ એક એવી પાર્ટી છે જે પોતાની સરકાર પડવા પર ભારત માતાના નારા લગાવે છે. આ અગાઉ શાહે આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરી.