DGMOની વાતચીત ફેલ: LoC પર 1 આતંકવાદીને ઠાર મરાયો
શનિવારે આતંકવાદીઓએ શ્રીનગરમાં અઢી કલાકની અંદર સીઆરપીએફનાં વાહનો પર સતત ત્રણ ગ્રેનેડ હૂમલા કર્યા હતા
શ્રીનગર : જમ્મુ કાશ્મરનાં કુપવાડામાં પાકિસ્તાન સીમા (LoC) પર સેનાએ રવિવારે ઘૂસખખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. બીજી તરફ કેરન સેક્ટરમાં સેનાએ 1આતંકવાદીને ઠાર માર્યો હતો. અખનુરમાં પાકિસ્તાને એકવાર ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. અહીં પાકિસ્તાન તરફથી મોર્ટાર મારો કરવામાં આવ્યો હતો. અગાઉ પાકિસ્તાની રેન્જર્સે આંતરરાષ્ટ્રીય સીમા પર ભારતીય ચોકીઓને નિશાન બનાવીને મોર્ટાર છોડવામાં આવ્યા અને ગોળીબાર કર્યો હતો જેમાં સીમા સુરક્ષા દળનાં એક અધિકારી સહીત બે જવાન શહીદ થઇ ગયા હતા.
પાકિસ્તાની રેન્જર્સે રવિવારે અખનુર સેક્ટરનાં પરગવાલ વિસ્તાર નજીકનાં કંચક અને ખોર સેક્ટરમાં ભારે ગોળીબાર કર્યો અને મોર્ટાર મારો કર્યો હતો જેમાં એક મહિલા સહિત 13 લોકો ઘાયલ થઇ ગયા હતા. જમ્મુ કાશ્મીરની પોલીસે કહ્યું કે, અખનુર સેક્ટરનાં પરગાલ પેટાસેક્ટરમાં પાકિસ્તાન દ્વારા વર્ષ 2003નાં સંઘર્ષવિરામ ઉલ્લંઘનમાં સહાયક સબ ઇન્સપેક્ટર એશ.એન યાદવ અને કોન્સ્ટેબલ વી.કે પાંડે શહીદ થઇ ગયા હતા.
સંઘર્ષ વિરામના ઉલ્લંઘન અંગે જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રવિવારે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનનાં સૈન્ય અધિકારીઓએ ફરી એકવાર ચર્ચા કરવી જોઇએ. આંતરિક વાતચીતથી મુદ્દો ઉકેલવામાં આવવો જોઇએ અને રક્તપાત બંધ થવો જોઇએ. સીમા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે.