J&K: પુલવામામાં એન્કાઉન્ટરમાં એક આતંકીનો ખાતમો, બે આતંકીઓ ફરાર
જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં આજે એક આતંકવાદી માર્યો ગયો.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં આજે એક આતંકવાદી માર્યો ગયો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ઈન્ટેલિજન્સની બાતમીના આધારે સુરક્ષાદળોએ આજે સવારે દક્ષિણ કાશ્મીર જિલ્લાના બાબગુંડ વિસ્તારની ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું. જો કે એવું કહેવાય છે કે આ અથડામણ દરમિયાન બે આતંકીઓ ફરાર થઈ ગયાં.
અધિકારીએ જણાવ્યું કે સર્ચ અભિયાનમાં લાગેલા સુરક્ષા દળો પર આતંકવાદીએ ગોળી ચલાવી હતી. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ત્યારબાદ અથડામણ ચાલુ થઈ ગઈ. અધિકારીએ જણાવ્યું કે અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. તેમણે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીની ઓળખ અને તે કયા સંગઠન સાથે જોડાયેલો હતો તેની માહિતી મેળવવાની કોશિશ થઈ રહી છે.
અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી કેટલાક હથિયારો અને ગોળા બારૂદ મળી આવ્યાં છે. અથડામણ હાલ પૂરી થઈ ગઈ છે. અત્રે જણાવવાનું કે આજે જ જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીઓના ત્રીજા તબક્કનું મતદાન ચાલુ છે. આજ સવારથી જ મતદાન કેન્દ્રોમાં લોકો મતદાન માટે પહોંચી રહ્યાં છે. પ્રશાસને તમામ વ્યવસ્થા કરી છે. બે મુખ્ય પાર્ટીઓ નેશનલ કોન્ફરન્સ અને પીપીપીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
આ દરમિયાન નેશનલ કોન્ફરન્સમાંથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા જૂનૈદ આઝિમ મટ્ટુએ પણ શ્રીનગરના બારામુલ્લામાં મતદાન કર્યું. તેમણે સ્થાનિક ચૂંટણીના વિરોધનો સંપૂર્ણ રીતે અસર્થન જાહેર કર્યું. ઘાટીમાં શનિવારે જે 44 વોર્ડ માટે મતદાન થઈ રહ્યું છે તેમાંથી 20 શહેરના વ્યવસાયિક વિસ્તારોમાં છે. ઘાટીમાં 1989માં આતંકવાદી માથું ઊંચુ કર્યું ત્યારબાદથી મતદાનની ટકાવારી સામાન્ય રીતે ઓછી જોવા મળે છે.