Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલી અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સૈન્યદળોએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.
Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ 4 આતંકવાદીઓને ઠાર કર્યાં છે. આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન પણ શહીદ થયા છે. જિલ્લામાં બે જગ્યાએ અથડામણ ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષાદળો દ્વારા દક્ષિણ કાશ્મીર જિલ્લાના મોડરગામ ગામમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવી હતી. તેમણે કહ્યું કે આ અથડામણમાં ચાર આતંકીઓ મોતને ભેટ્યા છે જ્યારે સેનાનો એક જવાન શહીદ થયો છે.
તો કુલગામના ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં પણ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. કાશ્મીર ઝોન પોલીસે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું- પોલીસ અને સુરક્ષાદળો કાર્યવાહી કરી રહ્યાં છે. વધુ જાણકારી બાદમાં આપવામાં આવશે.
તાજેતરમાં આ ક્ષેત્રોમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે. પાછલા મહિને સુરક્ષાદળોએ ડોડા જિલ્લાના ગંડોહ વિસ્તારમાં ત્રણ આતંકીઓનો સફળતાપૂર્વક ખાત્મો કર્યો હતો.
આ પહેલા સુરક્ષાદળોએ પુલવામામાં બે આતંકીઓને ઠાર કર્યાં હતા. આ બંને આતંકી લશ્કર-એ-તૈયબાની બ્રાન્ચ ધ રેજિસ્ટેન્સ ફ્રંટના બે ટોચના કમાન્ડર હતા, જે પુલવામાં જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણ દરમિયાન એક ઘરમાં ફસાયા હતા, તે આ ઘરનો છુપાવા માટે ઉપયોગ કરતા હતા.