JK: શોપિયામાં આતંકીઓને બચાવવા પથ્થરબાજો રસ્તા પર ઉતર્યા, જવાબી કાર્યવાહીમાં 20 ઘાયલ
જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી પથ્થરબાજોએ આતંકીઓને બચાવવાની કોશિશ કરી છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી પથ્થરબાજોએ આતંકીઓને બચાવવાની કોશિશ કરી છે. કાશ્મીરના શોપિયા જિલ્લામાં શુક્રવારે સવારથી શનિવાર સવાર સુધી ચાલેલી અથડામણમાં આતંકીઓને બચાવવામાં પથ્થરબાજો રસ્તા પર ઉતરી આવ્યાં. આ દરમિયાન તેમણે સુરક્ષાદળો પર પથ્થરો ફેંક્યા. સુરક્ષા દળોએ આતંકીઓ વિરુદ્ધના અભિયાનમાં પરેશાનીનો સામનો કરવો પડ્યો. જો કે તેઓ પાછા હટ્યા નહીં. અથડામણમાં પાંચ આતંકીઓનો ખાત્મો બોલાવાયો. જવાબી કાર્યવાહીમાં 20 પથ્થરબાજો ઘાયલ પણ થયાં.
શુક્રવારે સવારે શોપિયાના કિલ્લોરા ગામમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે શરૂ થયેલી અથડામણમાં સાંજ સુધીમાં ફાયરિંગ રોકાઈ ગયું હતું. શનિવારે સવારે અચાનક વિસ્તારમાં ફરીથી ફાયરિંગ શરૂ થઈ ગયું. તે વખતે સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં ઝડપ કરી હતી. ત્યારબાદ પથ્થરબાજોને જ્યારે આ અંગે સૂચના મળી તો તેઓ રસ્તાઓ પર ઉતરી આવ્યાં. પથ્થરબાજો સુરક્ષાદળોના જવાનો પર પથ્થરો ફેંકવા લાગ્યાં. જેના કારણે સુરક્ષાદળોની ગાડીઓને નુકસાન પહોંચ્યું. આ સાથે જ આતંકીઓ વિરુદ્ધના ઓપરેશનમાં વિધ્ન પણ પડ્યું.
અત્રે જણાવવાનું કે શુક્રવારે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણ શનિવારે પુરી થઈ. સુરક્ષાદળોને વિસ્તારમાંથી સૌથી પહેલા એક આતંકીનો મૃતદેહ હથિયાર સહિત મળી આવ્યો હતો. આતંકી લશ્કર એ તૈયબાનો ઉમર મલિક હતો. તેના શબ પાસેથી એકે 47 મળી આવી હતી. હવે તો જો કે માર્યા ગયેલા તમામ આતંકીઓના મૃતદેહો મળી આવ્યાં છે.