નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓના સફાયા માટે ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત કૂપવાડા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 3 આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલો છે. માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ પાકિસ્તાની હોવાનું કહેવાય છે. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા સીઆરપીએફના જોઈન્ટ ઓપરેશન દરમિયાન આ ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. ભારતીય સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આ અથડામણ કૂપવાડા જિલ્લાના હંદવાડામાં યૂનિસો ગામમાં થઈ. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ્યે ત્રણેય આતંકીઓના ખાત્માની પુષ્ટિ કરી છે.  તેમણે એ પણ જણાવ્યું કે આ ઓપરેશનને સેના, સીઆરપીએફ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે અંજામ આપ્યો. તેમણે જણાવ્યું કે આખી રાત એન્કાઉન્ટ ચાલુ હતું અને ગાત્રો થીજવી દે તેવી થંડીમાં પણ આપણા જવાનોએ આ આતંકીઓનો મુકાબલો કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે આ અગાઉ 21 નવેમ્બરે પણ હંદવાડામાં સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની જોઈન્ટ ટીમે ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતાં. માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ લશ્કર એ  તૈયબાના હતાં. જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યાં મુજબ ત્રણેય આતંકીઓ પાકિસ્તાનના હતાં. 


આ બાજુ જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત આતંકીઓ પર સુરક્ષાદળોની કાર્યવાહી બાદ હવે ભટકી ગયેલા યુવાનોના પરિવારો તેમને ઘરે પાછા ફરવાની અપીલ કરી રહ્યાં છે.  સુરક્ષાદળો દ્વારા ચાલતા ઓપરેશન ઓલઆઉટ હેઠળ આતંકીઓનો સફાયો સતત ચાલુ છે. સેનાએ અહીં આતંકીઓ માટે બે જ વિકલ્પો છોડ્યા છે. કાં તો તેઓ સરન્ડર કરે અને નહીં તો મરવા માટે તૈયાર થઈ જાય.



આ અભિયાન હેઠળ છેલ્લા કેટલાક સમયમાં કાશ્મીરમાં 200થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. જેના પગલે આતંકીઓમાં નિરાશા વ્યાપી છે. સુરક્ષાદળોની આ  કાર્યવાહીમાં અનેક મોટા આતંકીઓ માર્યા ગયા છે. કેટલાક ભટકી ગયેલા યુવાઓ મુખ્ય પ્રવાહમાં પાછા પણ ફર્યા છે.