મોદી સરકાર વચનો પૂરા કરવામાં નિષ્ફળ, રાહુલના નેતૃત્વ હેઠળ આવશે બદલાવ: મનમોહન સિંહ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નરેન્દ્ર મોદી સરકાર પર વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશમાં બદલાવ આવશે.
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નરેન્દ્ર મોદી સરકાર પર વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશમાં બદલાવ આવશે. જન આક્રોશ રેલીમાં સિંહે કહ્યું કે મોદી સરકાર પોતાના દરેક વચનને પૂરા કરવામાં નિષ્ફળ ગઈ. ચાર વર્ષ પહેલા જે વચનો આપ્યા હતાં તે આજ સુધી પૂરા થયા નથી. તેમણે કહ્યું કે મોંઘવારી ખુબ વધી ગઈ છે. યુવાઓ નોકરીઓ ન મળવાથી પરેશાન છે. દલિતો, અલ્પસંખ્યકો અને મહિલાઓ પર અત્યાચારો વધી ગયા છે. જેના પર મોદી સરકાર ધ્યાન આપતી નથી. સિંહે કહ્યું કે ક્રુડ ઓઈલની કિંમતો ઘટી પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવો વધી ગયા છે.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશમાં બદલાવ આવશે અને આ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઊભા થવું પડશે. સિંહે કહ્યું કે નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા લોકો હજારો કરોડ લઈને ભાગી ગયા. જેનાથી બેંકો નબળી પડી છે. સરકાર કશું કરી રહી નથી.
આ અગાઉ કોંગ્રેસના મહાસચિવ અશોક ગહેલોતે કહ્યું કે ચાર વર્ષમાં સરકારે દેશને જે રીતે નુકસાન પહોંચાડ્યું છે તેનાથી બધા દુખી છે. મહિલાઓ, યુવાઓ, ખેડૂતો, દલિતો, પછાતો અને અલ્પસંખ્યકો તમામ પરેશાન છે. તેમણે કહ્યું કે આ રેલીમાં એ સંકલ્પ લઈને જવાનું છે કે આપણે રાહુલ ગાંધીના સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવાનો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે આ સરકારના કાર્યકાળમાં સમાજના તાણાવાણા છિન્ન ભિન્ન થઈ ગયાં. ભાઈને ભાઈ સાથે લડાવવામાં આવી રહ્યો છે. આ માહોલને બદલવો પડશે. આ બદલાવ રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ આવી શકે છે.