ઝી બ્યૂરો, અમદાવાદઃ ભગવાન વિષ્ણુએ પોતાના કૃષ્ણ અવતાર દરમિયાન જેટલી લીલાઓ કરી છે, તેટલી ભાગ્યે જ બીજા કોઈ અવતારમાં કરી છે. શ્રી કૃષ્ણની લીલાઓ તો તેમના જન્મની સાથે જ શરૂ થઈ ગઈ હતી. આ જ કારણથી પોતાના જન્મ માટેનો સમય બુધવારે અડધી રાતનો પસંદ કર્યો હતો. આખી દુનિયાને પ્રેમની પરિભાષા સમજાવવા અને ધર્મની સ્થાપના કરવા માટે અંદાજે 5 હજાર વર્ષ પહેલા ધરતી પર જન્મ લેવાવાળા શ્રીકૃષ્ણનાં જન્મોત્સવનું પર્વ 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ભગવાન વિષ્ણુના 8માં અવતાર શ્રીકૃષ્ણએ દ્વાપર યુગમાં ભાદ્રપક્ષ મહીનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ જન્મ લીધો હતો. જેને દુનિયા જન્માષ્ટમીના નામથી ઓળખે છે. ભગવાને જન્મ માટે જે નક્ષત્ર, સમય અને દિવસની પસંદગી કરી હકી, તેની પાછળનું ખાસ કારણ છે. આ બધાનું કનેક્શન તેમના પૂર્વજો સાથે જોડાયેલુ છે.
 
શ્રીકૃષ્ણના પૂર્વજ છે ચંદ્રદેવ:
ધર્મ અને પુરાણો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રવંશી હતા. તેમના પૂર્વજ ચંદ્રદેવ હતા, જે બુધના પુત્ર છે. આ કારણોથી શ્રીકૃષ્ણએ પોતાનો અવતાર દિવસ બુધવાર નક્કી કર્યો અને નક્ષત્ર રોહિણી પસંદ કર્યુ. એટલુ જ નહીં ચંદ્રદેવની ઈચ્છા હતી કે, ભગવાન વિષ્ણુ તેમના કુળમાં જન્મ લે, આમ તેમની ઈચ્છા પૂરી કરવા ભગવાને તેમના કુળમાં જન્મ લીધો અને આસુરી શક્તિનો નાશ કરીને મહાભારતના માધ્યમથી ધર્મની સ્થાપના કરી.


અડધી રાત્રે જન્મ લેવા પાછળનું કારણ:
ભગવાન શ્રીકૃષ્ણના અડધી રાત્રે જન્મ લેવા પાછળનું કારણ ખાસ છે. શ્રીકૃષ્ણના મામા કંસે પોતાનું અકાળે મૃત્યુ ટાળવા માટે બહેન દેવકીના બધા બાળકોની હત્યા કરવાનો સંકલ્પ લીધો હતો. આ અત્યાચારીનો વધ ભગવાનનાં હાથે થવાનો હતો. અગવાને અડધી રાત્રે જન્મ લઈને પોતાના માતા-પિતાને સમયની અનુકૂળતા કરી આપી. જેથી તેઓ બાળકને સુરક્ષિત સ્થાને મોકલી શકે. પુરાણો અનુસાર કૃષ્ણાવતાર સમયે, દેવકી અને  વસુદેવ જે કારાવાસમાં કેદ હતા, તેના દ્વાર  જાતે ખુલી ગયા. ધરતીથી લઈને ઈંદ્રલોક સુધી હર્ષોલ્લાસની લહેર ફરી વળી. વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયુ. ભગવાન શ્રીકૃષ્ણના બાળરૂપનાં દર્શન કરવા અને તેમને વધાવવા માટે દેવતાઓ પણ સ્વર્ગથી ધરતી પર આવ્યા અને પુષ્પવર્ષા કરવા લાગ્યા.