ઈડીએ સોમવારે આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની લગભગ 9 કલાક જેટલી મેરેથોન પૂછપરછ કરી. જમીન કૌભાંડ સંબ્ધિત એક મની લોન્ડરિંગ કેસમાં ઈડી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ હવે આ મામલે ઘેરાતા જોવા મળી રહ્યા છે. ઈડીની ટીમે સોમવારે સોરેનના દિલ્હીના શાંતિ નિકેતનમાં આવેલા ઘર સહિત 3 ઠેકાણે સવારે 7 વાગ્યાથી દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. જે મોડી રાત સુધી ચાલી. ઈડીની ટીમને ત્યાં સોરેન તો ન મળ્યા પરંતુ જતી વખતે ટીમ તેમની બીએમડબલ્યુ કાર સાથે લેતી ગઈ. જે કારને ઈડીએ જપ્ત કરી તે હરિયાણાના નંબર પ્લેટવાળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ ઈડી હેમંત સોરેનનો સંપર્ક કરી શકી નહતી. આવામાં ઈડી દિલ્હીમાં હેમંત સોરેનના આવાસ પર પહોંચી અને લગભગ 13 કલાક સુધી ડેરો જમાવીને બેઠી. બાદમાં તે પોતાની સાથે કાર લેતી ગઈ. ઝારખંડમાં મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપનો આરોપ છે કે હેમંત સોરેન ગૂમ થઈ ગયા છે. જ્યારે હેમંત સોરેનના પરિવારનું કહેવું છે કે આ તેમને બદનામ કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર છે. 


હેમંત સોરેનના પરિવારના એક સભ્યએ ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે હેમંત સોરેને ઈડી સાથે સતત સંપર્ક રાખ્યો છે અને 31 જાન્યુઆરીએ બપોરે 1 વાગે પોતાના આવાસ પર નિવેદન નોંધાવવાની ઈચ્છા પણ જતાવી ચૂક્યા છે. આમ છતાં ખોટો વિમર્શ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઈડીના ધિકારી દિલ્હી પોલીસકર્મીઓની સાથે સવારે લગભગ 9 વાગે દક્ષિણ દિલ્હીમાં 5/1 શાંતિ નિકેતન ભવન પહોંચ્યા હતા. ઈડીના અનેક અધિકારીઓ રાતે લગભગ સાડા 10 વાગે પરિસરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા. 


શું ફરાર થઈ ગયા સોરેન?
સૂત્રોએ જણાવ્યું કે તપાસ એજન્સીએ સોરેનના ઘરેથી હરિયાણાના રજિસ્ટ્રેશનવાળી એક BMW કાર જપ્ત કરી છે. આ ઉપરાંત ઘરની તપાસ દરમિયાન મળેલા કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. સોરેન 27 જાન્યુઆરીના રોજ રાંચીથી દિલ્હી માટે રવાના થયા હતા. તેમની પાર્ટીએ સોમવારે કહ્યું કે તેઓ અંગત કામ માટે ગયા છે અને પાછા ફરશે. જો કે ભાજપની ઝારખંડ શાખાએ સોમવારે દાવો કર્યો કે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન ઈડીની કાર્યવાહીના ડરથી છેલ્લા 18 કલાકથી ફરાર છે અને તેમણે રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને આ મામલો ગંભીરતાથી લેવાનો આગ્રહ કરતા કહ્યું કે ઝાંરખંડની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા દાવ પર છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube