નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં એક સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું કે, બંધારણની ધારા 370ના તમામ ભાગ જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડશે નહીં. આ સાથે જ તેમણે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર અનામત બિલ અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પણ રજૂ કર્યું હતું. જેના પર આખો દિવસ ચાલેલી ચર્ચાના અંતે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર રાજ્યસભામાં મતદાન થયું હતું. જેની તરફેણમાં 125 અને વિરોધમાં 61 વોટ પડ્યા હતા. આ સાથે જ બિલને ઉપલા ગૃહની મંજૂરી મળી ગઈ. હવે મંગળવારે આ બિલ અને સંકલ્પ પત્ર પર લોકસભામાં ચર્ચા થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો આ નિર્ણય સાથે જોડાયેલી 10 મહત્વની બાબતો. 


1. ગૃહમંત્રી અમિત શાહે સંસદને જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી ધારા-370ને નાબૂદ કરી દેવાઈ છે અને આ આદેશ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરી દીધા છે. સાથે જ રાજ્યનું પુનર્ગઠન કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. જેમાં જમ્મુ-કાશ્મીર અને લદાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા રહેશે, જ્યારે લદાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. 


J&Kમાં 370 નાબૂદ, પરંતુ દેશના 11 રાજ્યોમાં લાગુ છે આવો જ વિશેષ કાયદો... જાણો 


2. અમિત શાહે જણાવ્યું કે, ભૂતકાળમાં 1950 અને 1960ના દાયકામાં તત્કાલિન કોંગ્રેસની સરકારોએ પણ આ પદ્ધતિથી અનુચ્છેદ-370માં સંશોધન કર્યું હતું. અમે પણ એ જ રીત અપનાવી છે. 


3. આ સાથે જ અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ અને જમ્મુ-કાશ્મીર અનામત બિલ રજૂ કર્યું. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ મુજબ હવે જમ્મુ-કાશ્મીર રાજ્ય નહીં રહે. તેના બે ભાગ પડશે અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા સાથેનો કેન્દ્રશાસિત પ્રદેશ અને લદાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. 


4. ધારા-370નો ભાગ-1 યથાવત રાખવામાં આવ્યો છે, જેના અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ ફેરફારનો આદેશ બહાર પાડી શકે છે. 


જમ્મુ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક રાજ્યસભામાં 125:61 ની બહુમતીથી પસાર


5. જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન પ્રસ્તાવ પર રાજ્યસભામાં આખો દિવસ હોબાળો રહ્યો હતો. BJP, AIDMK, LJP, RPI, અકાલી દળ, શિવસેના, YSRP, TRS, BJD, TDP, આમ આદમી પાર્ટી અને BSPએ તરફેણમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દલ, ડીએમકે, સીપીએમ, સીપીઆઈએમ, મુસ્લિમ લીગ, કેરળ કોંગ્રેસ અને એડીએમકેએ તેના વિરોધમાં વોટ આપ્યો હતો. જેડીયુ અને તૃણમુલ કોંગ્રેસે વોકાઉટ કરી દીધું હતું. 


6. રાજ્યસભામાં ધ્વનિમત સાથે આ બિલ પસાર થયું હતું. મતદાન દરમિયાન બિલની તરફેણમાં 125 વોટ પડ્યા, જ્યારે 61 વોટ વિરોધમાં પડ્યા હતા. 


આ પાંચ બાબતો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે કાશ્મીર 


7. ગૃહમંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ ત્યાંની સુરક્ષાની સ્થિતિ અને સીમા-પારના આતંકવાદની સ્થિતિને ધ્યાનમાં લઈને લેવાયો છે. 


8. જમ્મુ-કાશ્મીરમાંથી ધારા-370 નાબૂદ થવાની સાથે જ ધારા 35એ પણ નાબૂદ થઈ ગઈ. આથી હવે, જમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ નહીં રહે અને ભારતના બીજા રાજ્યોની જેમ હવે અહીં પણ રાષ્ટ્રધ્વજ લહેરાવી શકાશે. જમ્મુ-કાશ્મીર અને લદાખમાં હવે ભારતની સુપ્રીમ કોર્ટના આદેશ માન્ય રહેશે. 


જમ્મુ-કાશ્મીરઃ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાની કરાઈ ધરપકડ, ગઈકાલથી હતા નજરકેદ 


9. જમ્મુ કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ અન્ય રાજ્યની જેમ 5 વર્ષનો રહેશે. જમ્મુ-કાશ્મીરના નાગરિકોને બેવડી નાગરિક્તા સમાપ્ત થઈ જશે અને હવે તેઓ માત્ર ભારતના નાગરિક કહેવાશે. ધારા-370 સમાપ્ત થવાની સાથે જ બીજા રાજ્યોના લોકો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે. હવે જમ્મુ-કાશ્મીરની મહિલા જો અન્ય કોઈ રાજ્યના વ્યક્તિ સાથે લગ્ન કરશે તો પણ તે માત્ર ભારતીય કહેવાશે. 


10. ધારા-370ના કારણે કાશ્મીરમાં રહેતા પાકિસ્તાનીઓને ભારતીય નાગરિક્તા મળી જતી હતી. ધારા-370 નાબૂદ થઈ ગયા પછી હવે કાશ્મીરના લોકો માત્ર ભારતીય નાગરિક છે. જો કોઈ પાકિસ્તાની ભારતીય નાગરિક્તા લેવા ઈચ્છે છે તો તેણે સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...