જમ્મુ બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલામાં એક વ્યક્તિનું મોત, 30થી વધુ ઘાયલ, એક શંકાસ્પદની ધરપકડ
જમ્મુ બસ સ્ટેન્ડ પર થયેલા ગ્રેનેડ હુમલામાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં ઘાયલ લોકોમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
જમ્મુ: જમ્મુ બસ સ્ટેન્ડ પર થયેલા ગ્રેનેડ હુમલામાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં ઘાયલ લોકોમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કહેવાય છે કે આતંકીઓએ એક બસને નિશાન બનાવીને ગ્રેનેડ ફેક્યો હતો. પોલીસે આ વિસ્ફોટને આતંકી વિસ્ફોટ ગણાવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા સીઆરપીએફ દ્વારા આખા વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. આ હુમલામાં જેમનું મોત નિપજ્યું છે તેમનું નામ મોહમ્મદ શારિક કહેવાય છે અને તેઓ ઉત્તરાખંડના રહીશ હતાં.
હાલ મળતી માહિતી મુજબ પોલીસે આ હુમલામાં સામેલ એક સંદિગ્ધની ધરપકડ કરી છે. આરોપી દક્ષિણ કાશ્મીરનો રહીશ છે. એવું કહેવાય છે કે આ હુમલાને બેથી ત્રણ લોકોને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે અત્યાર સુધી 12 લોકોની પૂછપરછ કરી છે. સૂત્રોના હવાલે એવી પણ માહિતી મળી છે કે હુમલો કાશ્મીરમાં હાજર આતંકી ગ્રુપે કર્યો છે. એવું એટલા માટે કહેવાય છે કે ગ્રેનેડ હુમલાની જાણકારીનું ઈનપુટ મળેલું હતું. સુરક્ષા એજન્સીઓને એવા 2-3 ઈનપુટ મળ્યા હતાં જેમાં આતંકીઓ ગ્રેનેડ હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં.
ઓવૈસીએ ગણાવી ઈન્ટેલિજન્સ ફેલિયર
એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવેસીએ જમ્મુમાં ગ્રેનેડ હુમલા પર કહ્યું કે હવે ચૂંટણી નજીક છે તો બધી વસ્તુઓ યાદ આવે છે. જમ્મુમાં વિસ્ફોટ થાય તો તેના માટે જવાબદાર કોણ? તેના પર જવાબ આપો...તેનાથી સ્પષ્ટ છે કે આ ચીજોને છૂપાવવી પડશે. આ લોકો પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે આવી વાતો કરે છે. સંઘ અને ભાજપ હિન્દુસ્તાનની વિવિધતાને માનતા જ નથી. આ લોકો દેશના બંધારણને પણ માનતા નથી. આમ નહીં ચાલે. જમ્મુમાં વિસ્ફોટ થાય તો જવાબદાર કોણ... તમે નથી?
અત્રે જણાવવાનું કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે. સુરક્ષાદળો સતત આતંકીઓના સફાયામાં લાગ્યા છે. ગત રાતથી હંદવાડાના બાંદરપેઈ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જેમાં એક આતંકીનો ખાત્મો કરાયો છે.
આ અથડામણ બુધવારે રાતે 9.32 કલાકે શરૂ થઈ હતી. સુરક્ષાદળોને વિસ્તારમાં આતંકી છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. ત્યારબાદ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી રાખ્યો છે અને આ સાથે જ વિસ્તારમાં સુરક્ષા કારણોસર ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે.