JK: સોપોરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યાં, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના સોપોર વિસ્તારમાં આજે સવારથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના સોપોર વિસ્તારમાં આજે સવારથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓનો ખાત્મો કરાયો છે. વિસ્તારમાં બે આતંકીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. જેના પગલે આસપાસના વિસ્તારને ક્વોર્ડન કરી દેવામાં આવ્યો હતો. સુરક્ષાદળો વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે. મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તહેનાત કરાયા હતાં. બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું હતું. આ અથડામણ સોપોર જિલ્લાના ડૂસુ ગામમાં થઈ હતી. બંને આતંકીઓને સુરક્ષાદળોએ ટ્રેપ કરી લીધા હતા. આ ઓપરેશનમાં 179 બટાલિયન સીઆરપીએફ, 29 રાષ્ટ્રીય રાયફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસની સ્પેશિયલ ફોર્સ સામેલ છે.
અત્રે જણાવવાનું કે ગુરુવારે આતંકીઓએ અનંતનાગ વિસ્તારના બરાકપોરા સ્થિત જેએન્ડકે બેંકની શાખા પર હુમલો કરીને ત્યાં હાજર સુરક્ષા ગાર્ડની રાઈફલ લૂંટીને ફરાર થઈ ગયા હતાં. સેનાએ આતંકીઓનો પીછો કરીને 2 આતંકીઓને ઠાર કર્યા હતાં. જમ્મુ અને કાશ્મીર બેંકની શાખામાં રોજની જેમ કામ ચાલુ હતું. બપોર બાદ કેટલાક નકાબધારી લોકોએ બેંક પર હુમલો કર્યો.
આ લોકોએ બેંકમાં હાજર લોકોને હથિયારના જોરે ડરાવી ધમકાવીને ત્યાં તહેનાત સુરક્ષા ગાર્ડની રાઈફલ છીનવી લીધી અને ફરાર થઈ ગયા હતાં. બરાકપોરાના જંગલોમાં સંદિગ્ધોને જોઈને સેનાએ તેમને લલકાર્યા તો આતંકીઓએ જવાબમાં ફાયરિંગ શરૂ કરી દીધુ. સેનાએ પણ આતંકીઓને બરાબર જવાબ આપ્યો. બંને તરફથી થયેલા ફાયરિંગમાં 2 આતંકીઓ માર્યા ગયાં.