દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને હવે ફરી ધરપકડનો ડર સતાવશે. કારણ કે દિલ્હીથી 1600 કિલોમીટર દૂર એવી કાર્યવાહી થઈ કે કેજરીવાલની ચિંતા વધી ગઈ છે. ઈડીએ દારૂકાંડના કેસમાં હૈદરાબાદથી BRS નેતા કે.કવિતાની ધરપકડ કરી છે. તો કેજરીવાલને પણ કોર્ટે આવતીકાલે ઈડીના સમન્સ પર હાજર રહેવા આદેશ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં દારૂકાંડના કેસ મુદ્દે મનિષ સિસોદિયા અને સંજયસિંહ પહેલા જ જેલમાં છે, કોર્ટ તરફથી કોઈ રાહત મળતી નથી. તેવા સમયે આ જ કેસમાં છેક હૈદરાબાદ સુધી કાર્યવાહીથી હડકંપ મચી ગયો છે. ઈડીએ તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી અને BRSના નેતા એવા કે.કવિતાની ધરપકડ કરી લીધી છે. ઈડીએ સવારે કે.કવિતાના નિવાસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.. જેમા કલાકોની તપાસ બાદ સાંજ પડતા કે.કવિતાની ધરપકડ કરી લેવાઈ.


એક તરફ કે.કવિતા પર સકંજો કસાયો તો બીજી તરફ દિલ્લીમાં અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધી ગયું. લીકર કેસમાં કેજરીવાલે પણ હવે કોર્ટમાં હાજર થવું પડશે. અરવિંદ કેજરીવાલને અગાઉ 16 માર્ચે હાજર થવા ઈડીએ સમન્સ પાઠવ્યા હતા. જોકે કેજરીવાલે સેસન્સ કોર્ટમાં સમન્સને પડકાર્યા હતા. પરંતુ કોર્ટે અરવિંદ કેજરીવાલને રાહત આપી નહીં. જેથી હવે કેજરીવાલ પાસે પણ કોર્ટમાં હાજર રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી. 


અરવિંદ કેજરીવાલને અગાઉ 8 વાર ઈડીએ સમન્સ પાઠવ્યા હતા, પરંતુ એક પણ સમન્સ પર કેજરીવાલ હાજર થયા નહીં. આમ આદમી પાર્ટી આ સમન્સને કેજરીવાલની ધરપકડનું એક ષડયંત્ર ગણાવતું રહ્યું છે. જોકે હવે એક જ દિવસે દિલ્લીમાં સમન્સ અને હૈદરાબાદમાં ધરપકડની કાર્યવાહીથી મામલો વધુ ગરમાયો છે..  હવે દારૂકાંડનો કેસ કોની કોની મુશ્કેલી વધારે છે, તે ઈડીની પૂછપરછ બાદ જ સામે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube