કાંગડા : હિમાચલ પ્રદેશનાં ધર્મશાળામાં યોજાયેલી વડાપ્રધાન મોદીની રેલીમાં જઇ રહેલા વિદ્યાર્થીઓથી ભરેલી એક બસ સાથે મોટી દુર્ઘટના થઇ છે. બસ ઉંધી વળી જવાનાં કારણે 35 બાળકો ઘાયલ થયા છે. જેમાં 5ની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. કોમ્પ્યુટર સેન્ટરનાં તમામ બાળકો ધર્મશાળામાં યોજાઇ રહેલ વડાપ્રધાન મોદીની રેલીમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનું એક વર્ષ પુર્ણ થવા પ્રસંગે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘાયલ બાળકોને સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ બાળકોને ટાંડા રિફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાં અપ્પરલંજની સમલેટામાં થઇ છે. મળતી માહિતી અનુસાર નગરોટા સુરિયાનાં કોમ્પ્યુટર સેન્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટ સ્કુલનાં આ બાળકો વડાપ્રધાનની રેલીમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. 32 સીટર આ પ્રાઇવેટ બસમાં કુલ 45 લોકો બેઠેલા હતા. સ્થાનીક લોકોની મદદથી તમામને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યા છે. 



અત્રે ઉલ્લેખનીય છે કે, 27 ડિસેમ્બર, 2017નાં રોજ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પોતાનાં 11 મંત્રીઓ સાથે શપથગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ધર્મશાળા અને કાંગડામાં આયોજીત પેરાગ્લાઇડિંગ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. 68 વિધાનસભા સીટોનાં હિમાચલ પ્રદેશમાં ભાજપે 44 સીટો પર જીત પ્રાપ્ત કરીને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી હતી.