કાનપુર: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી છે તે પહેલા આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ચાલુ છે. સમાજવાદી પાર્ટીના નેતાઓ બાદ હવે આવકવેરા વિભાગની ટીમે કન્નૌજના અત્તરના મોટા વેપારી પિયુષ જૈનના ઘરે અને અન્ય ઠેકાણે દરોડા પાડ્યા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન મોટા પાયે કેશ અને નકલી ઈનવોઈસ મળી આવ્યા છે. જે જોઈને અધિકારીઓની તો આંખો જ ફાટી ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરોડામાં 150 કરોડ જેટલી કેશ મળી
સૂત્રોના જણાવ્યાં મુજબ દરોડા બાદ આવકવેરાની ટીમને 150 કરોડ જેટલી કેશ મળી છે. દરોડાની કાર્યવાહી હજુ ચાલુ છે. દરોડા દરમિયાન મળી આવેલી ચલણી નોટોની ગણતરી માટે મશીન મંગાવવા પડ્યા. આઈટી વિભાગના અધિકારીઓને દરોડા દરમિયાન 200  કરતા વધુ નકલી ઈનવોઈસ મળ્યા અને ફેક્ટરીમાં ચાર ટ્રક સીલ કરાયા છે. 


આવકવેરા વિભાગની ટીમ પહોંચી કન્નૌજ
દરોડા બાદ આવકવેરા વિભાગની ટીમ અત્તરના વેપારી પિયુષ જૈન(Piyush jain)  સાથે ઘરની અંદર પૂછપરછ કરી રહી છે. કહેવાય છે કે આવકવેરા વિભાગની ટીમે પિયુષ જૈનના કાનપુર ઘર બાદ કન્નૌજના ઘરે પણ દરોડો પાડ્યો અને ટીમ તપાસમાં લાગી છે. 


શું છે સમાજવાદી અત્તર
આ મામલે ભાજપ અને સપામાં રાજનીતિક નિવેદનબાજી અને ઘમાસાણ સતત ચાલુ છે. સમાજવાદી પાર્ટી પણ પાછી ચર્ચામાં આવી ગઈ છે. કારણ કે 'સમાજવાદી' અત્તર બનાવનારા વેપારીના ત્યાં પડેલા દરોડા અને કેશની જપ્તી અંગે આવનારા દિવસોમાં રાજકીય ઘમાસાણ મચવાનું નક્કી કહેવાઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે ગત મહિને 9 નવેમ્બરના રોજ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટી કાર્યાલયમાં અત્તર કારોબારી દ્વારા બનાવવામાં આવેલા સમાજવાદી અત્તરને લોન્ચ કર્યું હતું. તે સમયે દાવો કરાયો હતો કે તેના નિર્માણમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી 22 પ્રકારના પ્રાકૃતિક અત્તરનો ઉપયોગ કરાયો છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે તેને 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું અને તેની ખુશ્બુની અસર 2022ની ચૂંટણીમાં જોવા મળશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube