Karnataka Election Result: લગભગ પાંચ મહિનાના ચૂંટણી શોર બાદ કર્ણાટકે 10મી મેના રોજ પોતાના આગામી પાંચ વર્ષનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું છે. આગામી પાંચ વર્ષ સુધી કયા 224 વિધાયકો પ્રદેશ ચલાવશે તેનો નિર્ણય આજે થઈ ગયો. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ. 10મી મેના રોજ  કર્ણાટકમાં 224 બેઠકો માટે મતદાન થયું હતું. એકબાજુ ભાજપ ફરી સત્તામાં આવવા માટે પૂરજોશ કોશિશ કરી રહ્યો છે ત્યાં કોંગ્રેસે પણ પૂરેપૂરી તૈયારી કરી હતી કે આ વખતે ભાજપને સત્તામાંથી દૂર કરી શકાય. અનેક એક્ઝિટ પોલમાં કોંગ્રેસને લીડ મળતી જોવા મળી રહી હતી. રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવનાથી પણ ઈન્કાર કરી શકાય નહીં. આવામાં જેડીએસ પણ કિંગમેકર બનવાની આશા રાખી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીના નામ પર મલ્લિકાર્જૂન ખડગેએ આપ્યું નિવેદન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે આવનારા દિવસોમાં જે જે રાજ્યોમાં ચૂંટણી હશે ત્યાં અમે કર્ણાટકની જેમ ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરીશું. અહીં (કર્ણાટક) વિધાયકોની બેઠક થશે. (મુખ્યમંત્રીના નામ પર) બધાની જે પણ સહમતિ હશે તેને હાઈકમાનની સામે રજૂ કરાશે. હાઈકમાન અંતિમ નિર્ણય લેશે. 



કોંગ્રેસની જીત જનતાની જીત છે, અમારી 5 ગેરંટી અમે પૂરી કરીશું- મલ્લિકાર્જૂન ખડગે
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે કોંગ્રેસની જીત જનતાની જીત છે, જનતાએ એક ભ્રષ્ટ સરકારને હરાવી છે. અમારે આગળ ઘણું કરવાનું છે. અમારે વચન પૂરા કરવાના છે. અમારી 5 ગેરંટી અમે પૂરી કરીશું. 



કર્ણાટકમાં નફરતનું બજાર બંધ, પ્રેમની દુકાન ખુલી છે- રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકમાં નફરતનું  બજાર બંધ થયું છે. પ્રેમની દુકાન ખુલી છે. કર્ણાટકની જનતાને અમે 5 વચન આપ્યા હતા અને આ વચનોને પહેલા દિવસે કેબિનેટમાં પૂરા કરીશું. 



અમે પ્રેમથી આ લડાઈ લડી, કર્ણાટકે દેખાડ્યું કે આ દેશને પ્રેમ સારો લાગે છે- રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પરિણામો પર બોલતા કહ્યું કે સૌથી પહેલા હું કર્ણાટકના અમારા કાર્યકરો, અમારા નેતાઓને અભિનંદન પાઠવું છું. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોના પડખે રહી. અમે પ્રેમથી આ લડાઈ લડી. કર્ણાટકે દેખાડ્યું કે આ દેશને પ્રેમ સારો લાગે છે. 



જય બજરંગબલી...તોડી નાખી ભ્રષ્ટાચારની નળી- કોંગ્રેસે બહાર પાડ્યો વીડિયો
ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસે એક રસપ્રદ વીડિયો બહાર પાડ્યો છે. જય બજરંગ બલી...તોડી નાખી ભ્રષ્ટાચારની નળી



32બેઠકોનું પરિણામ જાહેર થયું, કોંગ્રેસને ફાળે 20
ચૂંટણી પંચે 25 બેઠકોનું પરિણામ જાહેર કર્યું છે. જે મુજબ કોંગ્રેસને 20 પર જીત મળી છે જ્યારે 115 બેઠકો પર આગળ છે. ભાજપ 10 બેઠક પર જીત્યું છે અને 55 બેઠકો પર આગળ છે. જેડીએસ 2 બેઠક જીત્યું અને 18 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય 4 બેઠક પર આગળ છે. 



હાર જીત ભાજપ માટે મોટી વાત નથી. 2 સીટથી શરૂઆત કરીને ભાજપ આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે- યેદિયુરપ્પા
કર્ણાટક ચૂંટણી પરિણામો પર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ કહ્યું કે હાર જીત ભાજપ માટે મોટી વાત નથી. 2 સીટથી શરૂઆત કરીને ભાજપ આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. કાર્યકરોએ દુ:ખી થવાની જરૂર નથી. અમે અમારી હાર પર પુર્નવિચાર કરીશું. અમે જનતાના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને અમને મત આપવા બદલ અમે જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ. 


રાહુલ ગાંધી બની શકે છે દેશના પીએમ- સિદ્ધારમૈયા
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે આ ચૂંટણીનું પરિણામ લોકસભા ચૂંટણીની એક સીડી છે. મને આશા છે કે તમામ બિન ભાજપ પક્ષો એક સાથે આવશે. મને આશા છે કે રાહુલ ગાંધી દેશના પીએમ બની શકે છે. 



જીત બાદ રડી પડ્યા કોંગ્રેસના નેતા ડી કે શિવકુમાર
કર્ણાટકમાં જીત મળતા કોંગ્રેસના નેતા ડી કે શિવકુમાર રડી પડ્યા. તેમણે કહ્યું કે અમે ભ્રષ્ટાચારને હરાવ્યો, જનતાએ અમારા પર  ભરોસો વ્યક્ત કર્યો. 


આ એક મોટી જીત છે, કર્ણાટકના લોકો બદલાવ ઈચ્છતા હતા- સિદ્ધારમૈયા
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળવા જઈ રહ્યો છે. અમે પ્રચાર દરમિયાન પણ કહ્યું હતું કે કોંગ્રેસને લગભગ 130 બેઠકો મળશે. આ એક મોટી જીત છે. કર્ણાટકના લોકો બદલાવ ઈચ્છતા હતા. તેઓ ભાજપની સરકારથી કંટાળી ગયા હતા.  



'લોકોએ જૂઠનો પર્દાફાશ કર્યો, મે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાધી, સોનિયા ગાંધીને આશ્વાસન આપ્યું હતું'
કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારે પરિણામો પર નિવેદન આપતા કહ્યું કે હું અમારા કાર્યકરો અને અમારી પાર્ટીના નેતાઓને શ્રેય આપું છું જેમણે આટલી મહેનત કરી. લોકોએ જૂઠનો પર્દાફાશ કર્યો છે. મે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને આશ્વાસન આપ્યું હતું. જ્યારે સોનિયા ગાંધી મને જેલમાં મળવા આવ્યા હતા. ત્યારે મે પદ પર રહેવાની જગ્યાએ જેલમાં રહેવાનું પસંદ કર્યું હતું, પાર્ટીને મારા પર એટલો ભરોસો હતો. એ હું ભૂલી શકું નહીં. 



કોંગ્રેસના નેતાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પર સાધ્યું નિશાન
કોંગ્રેસના નેતા હરિપ્રસાદ બી કેએ કહ્યું કે નડ્ડાએ કહ્યું કે ભાજપને મત ન આપ્યો તો કોઈ કેન્દ્રીય કાર્યક્રમ નહીં મળે. કેન્દ્રીય કાર્યક્રમ માટે અમે ટેક્સ આપીએ છીએ. ટેક્સના મામલે અમારું રાજ્ય ત્રીજા નંબરે છે. અમે યુપી, બિહાર નથી. 



ચૂંટણી પંચ મુજબ કોંગ્રેસની 130 બેઠકો, ભાજપ 66 પર સમેટાઈ!
ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ કોંગ્રેસ હાલ 128 બેઠકો પર આગળ છે જ્યારે 2 પર જીત મળી છે. ભાજપ 66 બેઠકો પર આગળ છે. જ્યારે જેડીએસ 22 બેઠકો પર આગળ છે. 


પાર્ટીનો દ્રષ્ટિકોણ આગળ લઈ જનારા અને સમર્થન કરનારાઓનો ખુબ ખુબ આભાર- કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર
ચૂંટણી પરિણામો પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે બેંગ્લુરુમાં કહ્યું કે જેમણે પાર્ટી અને અમારા દ્રષ્ટિકોણનું સમર્થન કર્યું એ લોકોના અમે ખુબ આભારી છીએ અને અમે અમારા તમામ કાર્યકરોના પણ આભારી છીએ જેમણે પાર્ટીનો દ્રષ્ટિકોણ આગળ લઈ જવા માટે ખુબ મહેનત કરી છે. 



અમે અમારી હાર સ્વીકારી, હવે અમારું લક્ષ્ય 2024ની લોકસભા ચૂંટણી- કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે
પરિણામો પર કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે કહ્યું કે લોકતંત્રમાં હાર જીત મોટી વાત નથી. અમે અમારી હાર સ્વીકારી છે. અમે વિપક્ષ તરીકે લડીશું અને અમારો લક્ષ્ય છે કે 2024માં લોકસભા ચૂંટણીમાં અમે તમામ બેઠકો જીતીએ. 



મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના કાફલા સામે કોંગ્રેસ કાર્યકરોએ કરી ઉજવણી
કર્ણાટક ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે બહુમત મેળવી લીધો છે. આ અવસરે કોંગ્રેસના કાર્યકરોએ હાવેરીમાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના કાફલાની સામે જ ઉજવણી કરી. 



બજરંગબલીની ગદા ભ્રષ્ટાચારીઓના માથે પડી- છત્તીસગઢના મુખ્યમંત્રી
કર્ણાટક ચૂંટણી પરિણામો પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે કર્ણાટકના પરિણામો બિલકુલ આશા મુજબ છે. મોદીજીએ પોતાની જાતને આગળ ધરીને મત માંગ્યા હતા તો આ મોદીજીની હાર છે. બજરંગબલીની ગદા ભ્રષ્ટાચારીઓના માથે પડી અને ભાજપ સરકાર ત્યાંથી જ પતી ગઈ. 



જનતાએ ભાજપને આપ્યો મેસેજ, હવે ભારતને વહેંચવાની કોશિશ ન કરો-કોંગ્રેસ નેતા
કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે જનતાએ ભાજપને સંદેશ આપ્યો છે કે હવે ભારતને વહેંચવાની કોશિશ ન કરો. અત્રે જણાવવાનું કે રાજ્યમાં હાલ કોંગ્રેસ 120 બેઠક પર આગળ છે. જ્યારે ભાજપ 74, જેડીએસ 23 અને અધર્સ 7 બેઠક પર આગળ છે. 


રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન જે માહોલ જોવા મળ્યો હતો તેનું પરિણામ- અશોક ગેહલોત
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકમાં જે માહોલ જોવા મળ્યો હતો આજે તેની અસર કર્ણાટક ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ નેતાઓએ શાનદાર કેમ્પેઈન કર્યું. કર્ણાટકે સાંપ્રદાયિક રાજકારણને નકારીને વિકાસની રાજનીતિને પસંદ કરી છે. આવનારા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં પણ તેનું પુનરાવર્તન થશે. 



કોંગ્રેસ નેતા કમલનાથનું નિવેદન, ભાજપ કરશે ખરીદવાની કોશિશ
કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે કર્ણાટક ચૂંટણી વિશે નિવેદન આપતા કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે. ભાજપ વિધાયકોને ખરીદવાની કોશિશ કરશે. 


કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો, પાર્ટી નેતાએ કહ્યું- અમે સારું કામ કર્યું
કર્ણાટકમાં હાલ તો કોંગ્રેસની આંધી જોવા મળી રહી છે. સ્પષ્ટ બહુમત સાથે કોંગ્રેસ સરકાર બનાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. પરિણામો પર ભાજપના પ્રવક્તા અપરાજિતા સારંગીએ કહ્યું કે કર્ણાટકમાં અમે સારું કામ કર્યું. 


વધી રહી છે કોંગ્રેસની બેઠકો, જ્યારે ભાજપ માટે ચિંતાનો માહોલ
ટ્રેન્ડમાં હાલ કોંગ્રેસ વિરોધીઓના સૂપડાં સાફ કરી રહી છે. પાર્ટી 120 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 71 બેઠકો પર અને જેડીએસ 27 બેઠકો પર આગળ છે. અન્ય 5 બેઠકો પર આગળ છે. 


 સિદ્ધારમૈયાના મુખ્યપ્રધાન બનવામાં વિલન બની શકે છે આ દિગ્ગજ નેતા, કોંગ્રેસ માટે બનશે માથાનો દુખાવો
સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસમાં હવે સૌથી મોટો સવાલ એ થશે કે મુખ્યમંત્રી કોણ બનશે. બે નેતાઓ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. આ પદ માટે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, પાર્ટીએ તેના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી નથી. મહત્વનું એ છે કે કોંગ્રેસે ખાસ કરીને કર્ણાટકમાં ક્યારેય મુખ્યમંત્રી રજૂ કર્યા નથી. ચૂંટાયેલા ધારાસભ્યો નક્કી કરશે અને પોતાનો અભિપ્રાય આપશે. ત્યારબાદ હાઈકમાન્ડ નિર્ણય લેશે. તેમણે કહ્યું કે, સિદ્ધારમૈયા સૌથી વધુ વરિષ્ઠ નેતા છે અને તેમની પાસે સરકાર ચલાવવાનો અનુભવ છે. ડીકેએસ પડકાર ફેંકશે. અંતિમ નિર્ણય 'હાઈ કમાન્ડ'નો રહેશે. ડીકેએસ સોનિયા ગાંધીને સાંભળે છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને છ વખતના ધારાસભ્ય ડીકે શિવકુમાર (ડીકેએસ)એ મુખ્યમંત્રી પદ માટે લાંબા સમયથી રાહ જોઈ છે. અત્યાર સુધી ડીકેએસનું ધ્યાન કોંગ્રેસને કેવી રીતે સત્તામાં લાવી શકાય તેના પર હતું. હવે કોંગ્રેસ જીતી રહી છે તો ડીકેએસને નારાજ કરવાનું કોંગ્રેસને પોષાય તેમ નથી. હાલમાં કોંગ્રેસ અઢી વર્ષની ફોર્મ્યુલા પર આગળ વધે તેવી સંભાવના છે.


કોંગ્રેસ હેડક્વાર્ટર બહાર ફટાકડા ફોડી ઉજવણી કરાઈ, કર્ણાટકમાં ટ્રેન્ડમાં સ્પષ્ટ બહુમત
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત જોવા મળી રહ્યો છે જેનાથી ઉત્સાહિત થઈને દિલ્હીમાં AICC કાર્યાલયની બહાર આતિશબાજી થઈ. હાલ ટ્રેન્ડમાં કોંગ્રેસ 116 ભાજપ 74, જેડીએસ 28 અને અન્ય 5 બેઠકો પર આગળ છે. 



Karnataka Results: કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન, આવતી કાલે કોંગ્રેસ વિધાયક દળની બેઠક
કોંગ્રેસ વિધાયક દળની આવતી કાલે બેઠક થશે. આજે મોડી સાંજ સુધીમાં તમામ ધારાસભ્યો બેંગ્લુરુ પહોંચી જશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, કર્ણાટકના પ્રભારી રણદીપ સૂરજેવાલા, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમાર અને કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ બેંગ્લુરુમાં જ છે. 


તમામ દુષ્પ્રચાર થયો પરંતુ અમે મુદ્દાઓ પર અડ્યા હતા તેના માટે જનતાએ બહુમત આપ્યો- સચિન પાયલોટ
કોંગ્રેસ નેતા સચિન પાયલોટે અજમેરમાં કર્ણાટક ચૂંટણી પરિણામો પર નિવેદન આપતા કહ્યું કે કર્ણાટકમાં ભારે સંખ્યા સાથે અમે જીતી રહ્યા છીએ. 40 ટકા કમીશનને જનતાએ નકારી છે. તમામ દુષ્પ્રચાર થયો પરંતુ અમે મુદ્દાઓ પર અડીખમ હતા અને એટલે જનતાએ અમને બહુમત આપ્યું છે.  



કોંગ્રેસને હાલ સ્પષ્ટ બહુમત, જાણો શું છે ભાજપ અને જેડીએસની સ્થિતિ
ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ હાલ ટ્રેન્ડમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી સાથે 115 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 73 બેઠકો પર અને જેડીએસ 29 બેઠક પર આગળ છે. અધર્સ 5 બેઠક પર આગળ છે. 



જો કર્ણાટકમાં કોંગ્રેસ જીતી રહી છે તો તે PM મોદી અને અમિત શાહની હાર છે- સંજય રાઉત
શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપતા કહ્યું કે જો કોંગ્રેસ કર્ણાટકમાં જીતી રહી છે તો તે PM મોદી અને અમિત શાહની હાર છે. કર્ણાટકમાં જે થઈ રહ્યું છે તે 2024માં થશે. 



કોંગ્રેસે તાબડતોબ ધારાસભ્યોને બેંગ્લુરુ બોલાવ્યા, ખડગે પણ પહોંચી રહ્યા છે બેંગ્લુરુ
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળી રહી જીતના પગલે પાર્ટીએ જીતનારા ધારાસભ્યોને તાબડતોબ બેંગ્લુરુ બોલાવ્યા છે. કોંગ્રેસે આ માટે અનેક ચાર્ટર પ્લેન પણ બૂક કરાવ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પણ બેંગ્લુરુ પહોંચી રહ્યા છે. 


કોંગ્રેસની જીતથી ઉત્સાહિત કાર્યકરોએ ગુલાલ લગાડી હોળીની કરી ઉજવણી
કર્ણાટક વિધાનસભા ચૂંટણી મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ છે. પાર્ટી કાર્યાલયની બહાર કોંગ્રેસના કાર્યકરોએ એક બીજાને ગુલાલ લગાડીને ઉજવણી કરી. 



હુબલી ધારવાડ-મધ્ય બેઠકમાંથી કોંગ્રેસના જગદીશ શેટ્ટાર પાછળ, હાલમાં જ બદલી હતી પાર્ટી
હુબલી ધારવાડ-મધ્ય બેઠકથી કોંગ્રેસ નેતા જગદીશ શેટ્ટાર પાછળ ચાલી રહ્યા છે. બીજી બાજુ રાજ્યના મંત્રી સી એન અશ્વથ નારાયણ માલેશ્વરમથી આગળ છે. શેટ્ટાર એ જ નેતા છે જેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા હતા. 


કોંગ્રેસને મળી રહી છે ઝળહળતી સફળતા, પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંદિરમાં કરી પૂજા
કર્ણાટકમાં કોંગ્રેસને આ વખતે ચૂંટણીમાં જબરદસ્ત સફળતા મળતી જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં હાલ પાર્ટી 115 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 78 બેઠક પર આગળ છે. જેડીએસ 26 અને અધર્સ 5 બેઠક પર આગળ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શિમલાના જાખુ મંદિરમાં પૂજા અર્ચના કરી. 



પિતાને મુખ્યમંત્રી બનતા જોવા માંગુ છું- યતીન્દ્ર સિદ્ધારમૈયા
સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાએ પિતા વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું મારા પિતાને મુખ્યમંત્રી બનતા જોવા માંગુ છું. 


કર્ણાટકમાં કોંગ્રેસના સિરે સજશે સત્તાનો તાજ! કોંગ્રેસ મુખ્યાલય બહાર જશ્નનો માહોલ
કર્ણાટકમાં આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. મતગણતરીમાં હાલ કોંગ્રેસનું દમદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને પાર્ટી ટ્રેન્ડમાં 121 બેઠકો પર સ્પષ્ટ બહુમત સાથે આગળ છે. જ્યારે ભાજપ 78 બેઠકો પર અને જેડીએસ 22 બેઠકો પર તથા અન્ય 3 બેઠકો પર આગળ છે. દિલ્હીમાં AICC હેડક્વાર્ટર બહાર કોંગ્રેસ સમર્થકો જશ્નમાં ડૂબ્યા છે. 



ઓપરેશન લોટસથી વિધાયકોને બચાવવા માટે કોંગ્રેસે કર્યું આ કામ
કોંગ્રેસ હાલ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. પોતાના વિધાયકોને ઓપરેશન લોટસથી બચાવવા માટે કોંગ્રેસે તમામ વિધાયકોને બેંગ્લુરુ  પહોંચવાનું કહ્યું છે. કોંગ્રેસે વિધાયકો માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે જેથી કરીને તેઓ જેમ બને તેમ જલદી બેંગ્લુરુમાં ભેગા થઈ શકે. 


કોંગ્રેસમાં CM ફોર્મ્યૂલા તૈયાર
સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનાવવાનો ફોર્મ્યૂલા તૈયાર છે. જે મુજબ પહેલા સિદ્ધારમૈયા મુખ્યમંત્રી બનશે અને ત્યારબાદ ડી કે શિવકુમાર મુખ્યમંત્રી બનાવવામાં આવશે. 


કોંગ્રેસ શાનદાર પ્રદર્શન સાથે ખુબ આગળ નીકળી
કર્ણાટક ચૂંટણીમાં હાલ ભાજપ ટ્રેન્ડમાં સત્તા ગુમાવતો જોવા મળી રહ્યો છે. ભાજપ 76 બઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 126 બેઠકો પર આગળ છે. જેડીએસ 20 બેઠકો પર અને અન્ય 2 બેઠકો પર આગળ છે. 


ક્યાં કોણ આગળ
ઉડુપીથી ભાજપના યશપાલ હાલ આગળ છે. શિકારીપુરાથી યેદિયુરપ્પાના પુત્ર આગળ છે. ભટકલમાં ભાજપના સુનિલ નાયક આગળ છે. 


ભાજપ કાર્યાલય પરિસરમાં સાપ જોવા મળ્યો
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ શિવગાંવ કેમ્પ કાર્યાલય પહોંચ્યા. અહીં પરિસરમાં સાપ જોવા મળ્યો. 



કોંગ્રેસે ફરી મેળવ્યું બહુમત, જોવા મળી રહી છે ભારે ઉથલપાથલ
કર્ણાટકમાં કોંગ્રેસે ફરી પાછું બહુમત મેળવ્યું છે. હાલ ભાજપ 81 જ્યારે કોંગ્રેસ 121 બેઠકો પર આગળ છે. જેડીએસ 18 બેઠક પર આગળ છે. 


અત્યારે કઈ પણ કહેવું ઉતાવળ રહેશે- સદાનંદ ગૌડા
ભાજપના નેતા સદાનંદ ગૌડાએ કહ્યું કે હાલ કોઈ પણ અંતિમ નિર્ણય આપવો એ ઉતાવળભર્યું રહેશે. 3-4 રાઉન્ડ બાદ થોડું સ્પષ્ટ થશે પરંતુ આ હજુ અંતિમ નથી. દરેક તબક્કામાં આકરી લડત છે કારણ કે અમારા વિપક્ષી દળો (જેડીએસ અને કોંગ્રેસ)એ હાથ મિલાવ્યા છે. 



કોંગ્રેસ બહુમત મેળવ્યા બાદ દૂર ગઈ
હાલ કોંગ્રેસ ટ્રેન્ડમાં 108 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 83 બેઠકો પર આગળ છે. જેડીએસ પણ ધીરે ધીરે આગળ નીકળી રહ્યું છે અને હાલ 19 બેઠકો પર આગળ છે. 


મે અજય હું, આજ કોઈ મુજે રોક નહીં સકતા-કોંગ્રેસ
કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું છે કે આજે હું અજેય છું, આત્મવિશ્વાસથી ભરેલો છું અને આજે મને કોઈ રોકી શકશે નહીં. બીજી બાજુ કોંગ્રેસની ઓફિસમાં હાલ ઉજવણી ચાલુ છે. 



ટ્રેન્ડમાં હાલ કોંગ્રેસે મેળવ્યું બહુમત
કર્ણાટકમાં બહુમતનો આંકડો 113 છે. હાલ કોંગ્રેસ 115 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 72 બેઠકો પર આગળ છે. જેડીએસ 15 બેઠકો પર આગળ છે. અને અન્ય 4 બેઠકો પર આગળ છે. 


હુબલી ધારવાડમાં શેટ્ટાર આગળ
હુમલી ધારવાડની બેઠક મહત્વની ગણાઈ રહી હતી. ત્યાંથી કોંગ્રેસમાં ગયેલા જગદીશ શેટ્ટાર હાલ આગળ છે. કોંગ્રેસ હાલ બહુમતથી 1 બેઠક દૂર છે. 112 બેઠક પર કોંગ્રેસ આગળ છે જ્યારે 72 બેઠકો પર ભાજપ આગળ છે. જેડીએસ 15 બેઠકો પર આગળ છે અને અન્ય 4 બેઠકો પર આગળ છે. 


130 સીટો અમે પાર કરીશું- કોંગ્રેસ નેતા
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ સલીમ અહેમદે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે 130 સીટોને પાર કરીશું અને કર્ણાટકમાં એક સ્થિર સરકાર બનાવીશું. કર્ણાટકના લોકો કોંગ્રેસની સરકાર ઈચ્છે છે. તેઓ દેશની સૌથી ભ્રષ્ટ સરકાર બદલવા માંગે છે. 



કોંગ્રેસે ફટકારી સેન્ચ્યુરી, ભાજપની સતત ઘટી રહી છે સીટ
કર્ણાટકમાં જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તેમાં કોંગ્રેસે હાલ 100થી વધુ બેઠકો પર લીડ મેળવી છે જ્યારે ભાજપની સીટ સતત ઘટી રહી છે અને 72 બેઠકો પર આગળ છે. આ જોતા એક્ઝિટ પોલ સાચા જોવા મળતા દેખાઈ રહ્યા છે. 


કર્ણાટકમાં કોંગ્રેસ અને ભાજપ નેક ટુ નેક, જેડીએસનું પણ જબરદસ્ત પ્રદર્શન
હાલ ભાજપ 81 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 87 બેઠકો પર આગળ છે. જેડીએસ પણ દમદાર પ્રદર્શન કરી રહી છે અને 15 બેઠકો પર આગળ છે જ્યારે 4 સીટ પર અન્ય આગળ છે. 


મતગણતરી પહેલા સીએમ બસવરાજ બોમ્મઈએ પૂજા  કરી
કર્ણાટકમાં ચૂંટણીના પરિણામો પહેલા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી. 



કર્ણાટકમાં કોંગ્રેસ અને ભાજપમાં કાંટાની ટક્કર, જેડીએસનું પણ સારું પ્રદર્શન
હાલ કર્ણાટકમાં મતગણતરી ચાલુ છે. ભાજપ 62 બેઠકો પર અને કોંગ્રેસ 63 બેઠકો પર આગળ છે. જ્યારે જેડીએસ 10 બેઠક પર આગળ છે. અન્ય એક સીટ પર આગળ છે. હવે જોવાનું એ રહેશે કે કોણ બહુમત મેળવશે. 


કર્ણાટક માટે આજનો દિવસ મોટો છે- મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ
કર્ણાટકના મુખ્યમંત્રી  બસવરાજ બોમ્મઈએ  કહ્યું કે કર્ણાટક માટે આજનો દિવસ મોટો છે કારણ કે કર્ણાટકની જનતા આગામી 5 વર્ષ માટે નિર્ણય કરશે. મને વિશ્વાસ છે કે લોકોએ ભાજપને મત આપ્યો છે. 



શરૂઆતમાં જ કાંટાની ટક્કર
હાલ પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. જેમાં ભાજપ 36 અને કોંગ્રેસ 35 બેઠકો પર આગળ છે. જ્યારે જેડીએસ 9 બેઠક પર અને અન્ય 1 બેઠક પર આગળ છે. 


8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ, કોણ સંભાળશે સત્તાની કમાન
કર્ણાટકમાં 224 બેઠકો માટે થયેલા મતદાનનું આજે પરિણામ આવશે. સવારે 8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ છે. 



દરેક પાર્ટીના પોત પોતાના દાવા
તમામ નેતાઓએ ચૂંટણી પરિણામને લઈને પોત પોતાના દાવા રજૂ કર્યા છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમારે એકવાર ફરીથી કહ્યું કે એક્ઝિટ પોલના પરિણામ જે પણ હોય પરંતુ તેમના અનુમાન મુજબ  કોંગ્રેસ 150 બેઠકો સુધી પહોંચી શકે છે. પ્રદેશ અધ્યક્ષ શિવકુમારે જે પણ દાવો કર્યે તે તેઓ ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆતથી દોહરાવતા આવ્યા છે. તેમણે અનેકવાર દાવો કર્યો છે કે કોંગ્રેસ આ વખતે મોટી જીત તરફ જઈ રહી છે. જો કે ZEE NEWS અને MATRIZE ના એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને બહુમત મળતું તો જોઈ શકાય છે પરંતુ સીટોની સંખ્યા બહુમત એટલે કે 113ની આજુબાજુ રહેવાનો અંદેશો છે. જ્યારે ભાજપની સીટોની સંખ્યા 79થી 94 વચ્ચે રહેવાનું અનુમાન જતાવવામાં આવ્યું છે. 


બીજી બાજુ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે પહેલેથી  કહું છું કે ત્રિશંકુ વિધાનસભાના કોઈ ચાન્સ નથી. અમે પૂર્ણ બહુમતથી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. તેનો મને પૂરો ભરોસો છે. હવે જોવાનું એ રહેશે કે શું ભાજપ 38 વર્ષનો ઈતિહાસ બદલશે કે પછી કોંગ્રેસ 224 સીટોની કર્ણાટક વિધાનસભામાં બહુમત મેળવીને 2024ની ચૂંટણી જીતશે. ગણતરીના કલાકોમાં ખબર પડી જશે.