Bengaluru: મુખ્યમંત્રીનું હોય કે નેતાઓનું ઘર દરેક જગ્યાએ પાણીની મોંકાણ, મોં માંગ્યા દામ ચૂકવવા તૈયાર
ભારતનું સિલિકોન વેલી ગણાતા દક્ષિણ ભારતીય શહેર બેંગલુરુમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે કહ્યું હતું કે બેંગલુરુના તમામ વિસ્તારો જળસંકટનો સામનો કરી રહ્યા છે. એટલે સુધી કે તેમના ઘરનો બોરવેલ પણ સૂકાઈ ગયો છે.
ભારતની સિલિકોન વેલી બેંગલુરુમાં જળસંકટ સર્જાયું છે. હજુ તો ઉનાળો પુરો બેઠો નથી જ ત્યાં તો બેંગલુરુમાં લોકો પાણીના ટીપે ટીપા માટે વલખાં મારી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, સોસાયટી મોં માંગ્યા દામ ચૂકવવા તૈયાર છે પરંતુ પાણી નથી મળી રહ્યું. મુખ્યમંત્રીનું નિવાસસ્થાન હોય કે નેતાઓના ઘર દરેક જગ્યાએ પાણીની અછત છે. આ જળસંકટ વધુ ઘેરું બને તે માટે સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. મંગળવારે મીડિયા સાથે વાત કરતા નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે કહ્યું હતું કે બેંગલુરુના તમામ વિસ્તારો જળસંકટનો સામનો કરી રહ્યા છે. એટલે સુધી કે તેમના ઘરનો બોરવેલ પણ સૂકાઈ ગયો છે. તેમણે વચન આપતા કહ્યું હતું કે સરકાર કોઈ પણ ભોગે બેંગલુરુને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા માટે કામ કરશે.
નાયબ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે આપણે ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ કોઈ પણ કિંમતે શહેરમાં પાણીની આપૂર્તિ સુનિશ્ચિત કરીશું. અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં વરસાદ સામાન્યથી ઓછો નોંધાયો છે. એવામાં અનેક બોરવેલ સુકાઈ ગયા છે. અનેક જગ્યાઓ પર ભૂગર્ભ જળનું સ્તર નીચું ગયું છે. આ સિવાય માફિયાને પણ જળસંકટ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જળ માફિયા હંમેશા પાણી પંપ કરે છે. તેનાથી મોટી સમસ્યા ઊભી થઈ છે.
5 હજાર રૂપિયાનો દંડ
હવે બેંગલુરુ જો કોઈ પાણીનો બગાડ કરશે તો તેને 5 હજારનો દંડ ફટકારવામાં આવશે. સોસાયટીઓને પાણીના વપરાશમાં 20 ટકાને કાપ મુકવાના આદેશ આપવામાં આવ્યો છે. સાથે પાણીનો બગાડ રોકવા ખાનગી બોરવેલ પર કબજો કરવામાં આવી રહ્યો છે. પાણીના ટેન્કર માલિકોને બે દિવસમાં ટેન્કરની નોંધણીનો આદેશ કરવામાં આવ્યો છે. જે એવું નહીં થાય તો તેમના ટેન્કર જપ્ત કરવામાં આવે છે.બેંગ્લુરુમાં દુષ્કાળ પડવાના કારણે જળસંકટ ઘેરું બન્યું છે.
આ બધા વચ્ચે અનેક ખાનગી પાણી ટેંકર લોકોને પાણીના બદલે વધુ પૈસાની માંગણી કરી રહ્યા છે. હાલની સ્થિતિ પર ડીકે શિવકુમારે કહ્યું કે કેટલાક ટેંકર 600 રૂપિયામાં પાણી આપે છે. જ્યારે કેટલાક 3000 રૂપિયા વસૂલી રહ્યા છે. પાણીના મૂલ્યને નિર્ધારિત કરવાના માપદંડો માટે અમે તમામ પાણી ટેંકરોને અધિકારીઓ સાથે રજિસ્ટર કરવા કહ્યું છે. ટેંકરો દ્વારા નક્કી કરાયેલા અંતરને આધારે પાણીની કિંમતો નક્કી થશે.
કેન્દ્ર પર આરોપ
નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કેન્દ્ર સરકાર ઉપર પણ નિશાન સાધ્યું અને મેકેદાતુ જળાશય પ્રોજેક્ટને રોકવાનો આરોપ લગાવ્યો. જે બેંગલુરુમાં પાણીની સમસ્યાનું સમાધાન કરી શકે તેમ હતી. તેમણે કહ્યું કે અમે બેંગલુરુ માટે પાણીની આપૂર્તિ સુનિશ્ચિત કરવાના ઈરાદેથી મેકેદાતુ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. અમારી પદયાત્રા સાથે મેકેદાતુ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે કેન્દ્ર પર દબાણ નાખવા છતાં મંજૂરી અપાઈ નહી. જળ સંકટની ગંભીરતા જોતા ઓછામાં ઓછા આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દેવી જોઈતી હતી.
તેમણે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી,આરડીપીઆર મંત્રીઓ સહિત અન્ય મંત્રીઓએ પણ દુષ્કાળ પર ચર્ચા કરી. અમે અધિકારીઓને શહેરી વિસ્તારોમાં પાણીની આપૂર્તિ માટે શહેરોના 15 કિમી ના દાયરામાં જળસ્ત્રોતોનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. એવો નિર્ણય લેવાયો છે કે રામનગર, હોસાકોટે, ચન્નાપટના, મગદી અને અન્ય શહેરોમાંથી પાણીના ટેંકરોનો ઉપયોગ કરીને બેંગલુરુ શહેરમાં પાણી લાવવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube