બેંગલુરૂઃ જ્યાં એક તરફ કર્ણાટક સરકાર શનિવારે મૈસૂરના શાસક ટીપૂ સુલ્તાનની જયંતી મનાવવાની તૈયારી કરી રહી છે, તો ભાજપે તેનો વિરોધ શરૂ કરી દીધો છે. ભાજપના કાર્યકર્તા અને નેતા પોસ્ટર લઈને બેંગલુરૂમાં આ આયોજન વિરુદ્ધ પ્રદર્શન કરવા ઉતરી ગયા છે. મહત્વનું છે કે, કર્ણાટક સરકારે જાહેરાત કરી કે તે ભાજપના વિરોધ છતાં આ વર્ષે પણ 18મી સદીના મૈસૂરના શાસક ટીપૂ સુલ્તાનની જયંતીનો પોતાનો નક્કી કરેલો કાર્યક્રમ મનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 નવેમ્બરે યોજાનારા આ કાર્યક્રમના વિરોધમાં ભાજપ અને શ્રી રામ સેનાના સમર્થકો પ્રદર્શન કરી રહ્યાં છે. ભાજપે મૈસૂરના શાસકને અત્યાચારી ગણાવ્યો છે. કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર હેગડેએ કહ્યું કે, એક અત્યાચારીનો જન્મદિવસ ઉજવવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે, ટીપૂ સુલ્તાન હિંદુ વિરોધી હતો. ભાજપના પ્રવક્તા એસ પ્રકાશે કહ્યું કે, જ્યારે ગત કોંગ્રેસ સરકારે ટીપૂ જયંતી મનાવવાનો નિર્ણય લીધો હતો, તે સમયે પણ ખૂબ વિરોધ થયો હતો. 


આ પહેલા યેદિયુરપ્પાએ તેનો વિરોધ કરતા કહ્યું હતું, અમે ટીપૂ જયંતીનો વિરોધ કરશું આ આયોજનની કોઈ પ્રશંસા નહીં કરે. લોકોના હિતમાં રાજ્ય સરકારે આ કાર્યક્રમને રોકવો જોઈએ. તેમણે કહ્યું, ટીપૂ જયંતી ઉજવવા પાછળ સરકારનો ઈરાદો માત્ર મુસ્લિમ સમુદાયને સંતુષ્ટ કરવાનો છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, તેની પાર્ટીએ આવનારા દિવસોમાં પૂરજોશમાં વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. 



રાજ્યની એચડી કુમારસ્વામી સરકારે છૂપી રીતે આ કાર્યક્રમનું સ્થળ વિધાનસૌધાથી હટાવીને એક બિનરાજકીય સ્થાન પર કરી દીધું છે. વિરોધને જોતા કર્ણાટકના ગૃહપ્રધાન જી પરમેશ્વરાએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી તથા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરક્ષાની તૈયારીની સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ ચેતવણી આપી કે જો કોઈ સત્તાવાર કાર્યક્રમમાં વિક્ષેપ પાડશે તો તેને કાયદાનો સામનો કરવો પડશે.