બેંગલુરુઃ કર્ણાટકના સમુદ્ર કાંઠા અને દક્ષિણના અંતરિયાળ જિલ્લાઓમાં અતિભારે વરસાદ ચાલુ રહેવાને કારણે સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે. કેટલાક વિસ્તારની રેલવે સેવાઓ અને બસ સેવાઓ પણ રદ્દ કરવામાં આવી છે. કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (કેએસઆરટીસી)ની ચામરાજનગર જિલ્લાથી તમિલનાડુના ઊટી અને કેરળના કોચી સુધીની બસ સેવાઓ ગુરૂવારે ભારે વરસાદના કારણે સ્થગીત રખાઈ છે. કેએસઆરટીસીની કેરળના કન્નુર અને કાસરાગોડ તથા કર્ણાટકના મેંગલોર સુધીની બસ સેવા પણ રદ્દ કરવમાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ, કાવેરી નદીએ કોદાગુ જિલ્લાના માદેકેરી ગામમાં ભયજનક સપાટી વટાવી દીધી છે. સમુદ્રી કાંઠા અને દક્ષિણના અંતરિયાળ જિલ્લાઓમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું અત્યારે જોર પકડી રહ્યું છે. આ વિસ્તારમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ભારતના હવામાન વિભાગના બેંગલુરુ વિભાગે તેની હવામાન અંગેની આગાહીમાં આ જાહેરાત કરી છે. 


કર્ણાટક રાજ્યના કુદરતી આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન સમુદ્રકાંઠે આવેલા ઊડીપી જિલ્લામાં સૌથી વધુ 35.7 સેમી વરસાદ નોંધાયો છે.દક્ષિણ કન્નડના અન્ય સમુદ્રી કાંઠામાં સૌથી વધુ 33,8 સેમી, જ્યારે ઉત્તર કન્નડમાં 33.6 સેમી અને દક્ષિણના અંતરિયાળ જિલ્લાઓ કોડાગુમાં 28.8 સેમી, ચિકામાગલુરુ 25.1 સેમી, હાસન 24.5 સેમી અને શિવામોગામાં 33.6 સેમી વરસાદ નોંધાયો છે. રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં પણ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. 


ભારે વરસાદને કારણે સોમવારથી અત્યાર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થવાના અહેવાલ છે. ખાસ કરીને બેંગલુરુ-મેંગલુરુ માર્ગ પર મંગળવાર રાતથી રાજ્ય સંચાલિત બસ સેવા અને રેલવે સેવા રદ્દ કરવામાં આવી છે. હાસન જિલ્લાના પશ્ચિમ ઘાટના પર્વતોમાં આવેલા સાકલેશપુર અને તેની આજુબાજુના જિલ્લામાં પણ અનેક સ્થળે ભૂસ્ખલન નોંધાયું છે, જેના કારણે બેંગલુરુથી મેંગલુરુ જતા વાહનો અધવચ્ચે અટકાવી દેવાયા છે. 


કર્ણાટક રાજ્ય પરિવહન નિગમે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભૂસ્ખલનને કારણે બેંગલુરુથી મેંગલુરુ, ધર્મસ્થલ (દક્ષિણ કન્નડ જિલ્લો) અને કુંદાપુરા (ઉડીપી જિલ્લો) જતી તમામ મહત્ત્વની બસ સેવાઓ રદ્દ કરવામાં આવી છે. 


દક્ષિણ-પશ્ચિમ રેલવેએ એક યાદીમાં જણાવ્યું છે કે, કરવાર-યશવંતપુર એક્સપ્રેસ, યશવંતપુર-મેંગલોર જંક્શન એક્સપ્રેસને કેટલાક સ્ટેશન સુધી, જ્યારે કેટલીક અન્ય રેલવે સેવાઓના માર્ગ પરિવર્તિત કરાયા છે.  


રાજ્યની રાજધાની કે જ્યાં હળવો વરસાદ નોંધાયો છે, બુધવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીએ ફિલ્ડ માર્શલ માનેકશો પરેડ ગ્રાઉન્ડમાં સ્વતંત્રતા દિવસ પર્વે બુધવારે સવારે ધ્વજવંદન કરવાની સાથે પ્રવચન આપ્યું હતું.


કાંઠા વિસ્તાર સહિત અરબી સમુદ્રમાં તોફાની પવન હોવાને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાને કારણે દક્ષિણ પશ્ચિમ અને મધ્ય અરબી સમુદ્રમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના છે. રાજ્યમાં હજુ આગામી બે દિવસ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે.