કર્ણાટક: કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં ધમસાણ, કુમારસ્વામી ફરી વિફર્યા, પદ છોડવાની આપી ધમકી
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન વચ્ચે સંબંધો દિન પ્રતિદિન વણસી રહ્યાં હોય તેવું લાગે છે.
બેંગ્લુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન વચ્ચે સંબંધો દિન પ્રતિદિન વણસી રહ્યાં હોય તેવું લાગે છે. બુધવારે મુખ્યમંત્રી કુમારસ્વામીએ ફરીથી ધમકી આપી છે કે જો કોંગ્રેસના નેતાઓ તેમના પર આ રીતે આક્ષેપો લગાવતા રહેશે તો તેઓ રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું હાં મેં કહ્યું હતું કે જો કોંગ્રેસના નેતાઓ મને નિશાન બનાવતા રહેશે તો હું પદ છોડી દઈશ.
જેડીએસના રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કરતા તેમણે કહ્યું જો તેઓ ફરીથી આ પ્રકારના નિવેદનો આપતા રહેશે તો હું કેટલાક દિવસ સુધી આ બધુ સહન કર્યા કરીશ. સત્તા તો અલ્પકાલિક છે. જે સ્થાયી છે, તે તમે (પાર્ટી કાર્યકર્તા) છો અને આ રાજ્યની સાડા છ કરોડની જનતા છે.
આ અગાઉ 28 જાન્યુઆરીના રોજ કુમારસ્વામીએ કોંગ્રેસના એક ધારાસભ્યની ટિપ્પણીથી વ્યથિત થઈને રાજીનામું આપી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગઠબંધન સહયોગીએ મામલો શાંત કર્યો. સંમેલનને સંબોધિત કરતા પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડાએ એમ પણ કહ્યું કે કેટલાક કોંગ્રેસી નેતાઓ તરફથી નિશાન બનાવવામાં આવતા મુખ્યમંત્રી નારાજ થયા છે. તેમણે 2006-2007માં સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી બનાવાની કથિત મહત્વકાંક્ષાનો પણ હવાલો આપ્યો.
દેવગૌડાએ કહ્યું કે ત્યારે સિદ્ધારમૈયાએ મને કહ્યું હતું કે જો મે સોનિયા ગાંધી પર દબાણ બનાવ્યું હોત તો કુમારસ્વામીની જગ્યાએ તેઓ મુખ્યમંત્રી બની જાત. સિદ્ધારમૈયાને દર્દ ખલી રહ્યું છે અને તેમણે સોનિયા ગાંધી પાસે આ અંગે જવાબ માંગવો જોઈએ. કુમારસ્વામીએ કહ્યું કે તેમની સરકારને પાડવાના પ્રયત્નો વચ્ચે તેમના લોકોની સમસ્યાના સમાધાન માટે પોતાના અધિકારીઓને નિર્દેશ આપવા પણ અઘરા પડી રહ્યાં છે.