કર્ણાટક રાજકીય સંકટઃ બળવાખોર ધારાસભ્યો બોલ્યા- `ગમે તે થાય, રાજીનામું પાછું નહીં લઈએ`
કર્ણાટકમાં શનિવારે 13 ધારાસભ્યો એક સાથે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું હતું અને તેમાંથી 10 ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેન મારફતે મુંબઈ આવી પહોંચ્યા હતા
બેંગલુરુ/મુંબઈઃ કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં એક પછી એક નવી-નવી પ્રતિક્રિયાઓ અને સમાચાર બહાર આવી રહ્યા છે. છેલ્લા ઘટનાક્રમમાં નવું નિવેદન કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય એસ.ટી. સોમશેખરનું આવ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સોમશેખરે જણાવ્યું છે કે, ગમે તે થાય, અમે રાજીનામું પાછું નહીં ખેંચીએ.
કર્ણાટકમાં ગઠબંધન સરકારમાં રહેલા કોંગ્રેસ અને જેડીએસના કુલ 13 ધારાસભ્યોએ શનિવારે રાજ્ય વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેઓ રાજીનામું આપીને રાજ્યપાલને પણ મળ્યા હતા અને પોતાના નિર્ણયની જાણ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ રજા ઉપર હોવાથી તેમના રાજીનામા અંગે સોમવારે નિર્ણય લેવાના છે.
કર્ણાટક સંકટઃ ભાજપે 30 રૂમ બૂક કર્યા, કોંગ્રેસે બોલાવી ધારાસભ્યોની વિશેષ બેઠક
મુંબઈ આવી ગયેલા કર્ણાટકના 10 બળવાખોર ધારાસભ્યોમાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય એસ.ટી. સોમશેખરે અહીં સોફિટેલ હોટલની બહાર જણાવ્યું કે, "અમે 13 ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષને અમારું રાજીનામું સોંપી દીધું છે. આ અંગે અમે રાજ્યપાલને પણ જાણ કરી દીધી છે. અમે બધા ભેગા જ છીએ. બેંગલુરુ પાછા જવાનો અને રાજીનામું પાછું ખેંચવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી."
ભારતના વધુ સામાચાર માટે અહીં કરો ક્લિક....