કર્ણાટક: મતદાન ટાણે જ BJPના કદાવર નેતા પર લાગ્યા ગંભીર આરોપ, કથિત સ્ટિંગ ઓપરેશન વાઈરલ
વીડિયો સામે આવ્યા બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમના તરફથી આ વીડિયોને નકલી ગણાવવામાં આવ્યો છે.
નવી દિલ્હી: કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બાદામી વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર શ્રીરામુલુનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શ્રીરામુલુ કથિત રીતે 2010માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના પદથી રિટાયર થયેલા કે.જી.બાલકૃષ્ણનને એક મામલે તેમના પક્ષમાં ચુકાદો આપવા માટે 160 કરોડની લાંચ આપવાની વાત કરતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં કથિત રીતે શ્રીરામુલુ, જનાર્દન રેડ્ડી અને પૂર્વ ચીફ જસ્ટિસના જમાઈ જોવા મળી રહ્યાં છે. વીડિયો સામે આવ્યાં બાદ ચૂંટણી પંચ દ્વારાતેના પ્રસારણ પર રોક લગાવી દેવામાં આવી હતી. કોંગ્રેસે આ સમગ્ર મામલે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરીને શ્રીરામુલુને ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ એક ખાનગી ચેનલ પર દર્શાવવામાં આવેલા આ કથિત સ્ટિંગ ઓપરેશનનો વીડિયો શેર કર્યો છે. આ સાથે જ તેના સંબંધિત એક અહેવાલને પણ તેમણે રિટ્વિટ કર્યો. રાહુલે આ મામલાને આધાર બનાવીને ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે પોતાના ટ્વિટર પર લખ્યું કે મોદી, યેડ્ડી અને રેડ્ડી કર્ણાટકને લૂંટવાની તૈયારીમાં છે. પરંતુ કર્ણાટકની જનતા આમ થવા દેશે નહી. એક અન્ય ટ્વિટમાં તેમણે સ્ટિંગ ઓપરેશનને લઈને ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે કર્ણાટક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ડ્રીમ ટીમ છે. હમણા જ જેલમાંથી આવેલા, મોદી-ફાઈદ અને ચોરી માટે રેડ્ડી.
શું છે મામલો?
કોંગ્રેસે 10મેના રોજ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં બાદામી વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર શ્રીરામુલુ જનાર્દન રેડ્ડી અને પૂર્વ ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણનના જમાઈ શ્રીનિજન સાથે જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં શ્રીરામુલુ કથિત રીતે આબલાપુરમ માઈનિંગ કંપની સંલગ્ન મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના પક્ષમાં ફેસલો આપવા માટે પૂર્વ જસ્ટિસ બાલાકૃષ્ણનને 160 કરોડની લાંચ આપવાની વાત કરતા જોવા મળી રહ્યાં છે. ઓબલાપુરમ માઈનિંગ કંપનીના માલિક જનાર્દન રેડ્ડી છે.
આ કારણસર સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો મામલો
વર્ષ 2009માં આંધ્ર પ્રદેશ સરકારે ઓબલાપુરમ માઈનિંગ કંપનીને રાજ્યની સરહદ પાસે અનંતપુરમાં ખાણોના સંચાલન પર પ્રતિબંધ લગાવ્યો હતો. હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો. વર્ષ 2010માં હાઈકોર્ટે આ આદેશને રદ કર્યો અને ત્યારબાદ સરકાર મામલાને સુપ્રીમ કોર્ટ લઈ ગઈ. જ્યાં તત્કાલિન સીજેઆઈ કે.જી.બાલકૃષ્ણને ઓબલાપુરમના પક્ષમાં ચુકાદો આપ્યો. તેના એક દિવસ બાદ તેઓ પદ પરથી રિટાયર થયા હતાં.
ભાજપે વીડિયોને ગણાવ્યો નકલી
વીડિયો સામે આવ્યા બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમના તરફથી આ વીડિયોને નકલી ગણાવવામાં આવ્યો છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પોતે આ મામલે નિવેદન આપતા કહ્યું કે આજકાલ આ પ્રકારના નકલી વીડિયો બજારમાં ખુબ ચાલી રહ્યાં છે.