બેંગ્લુરુ/નવી દિલ્હી: કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ની ગઠબંધન સરકારના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે કર્ણાટક વિધાનસભામાં 2018-19 માટે બજેટ રજુ કર્યું. અપેક્ષા મુજબ તેમણે પહેલા બજેટમાં ખેડૂતોની મોટી માગણીને પૂરી કરતા 2 લાખ રૂપિયાના દેવા માફ કરવાની જાહેરાત કરી. સીએમ કુમારસ્વામીએ દેવામાફી માટે 34,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની જાહેરાત કરી છે. જો કે તેમણે પેટ્રોલ, ડીઝલ પર સેસ વધારીને ભાવવધારાના સંકેતો આપ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભામાં બજેટ રજુ કરતા કુમારસ્વામીએ આ જાહેરાત કરી. કુમારસ્વામીએ 213734 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરતા કહ્યું કે તેઓ સિદ્ધારમૈયા સરકારની તમામ યોજનાઓ ચાલુ રાખશે. આ સાથે જ તેમણે જે ખેડૂતોએ નિર્ધારિત સમયની અંદર દેવા ચૂકવી દીધા છે તેમના માટે પણ જાહેરાત કરી. તેમને પ્રોત્સાહન તરીકે ચૂકાવવામાં આવેલી રકમ કે 25000 બંનેમાંથી જે ઓછુ હશે તે સરકાર ચૂકવશે. 


મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે ખેડૂતોના દેવામાફીનો આ  પહેલો તબક્કો છે. આ જાહેરાતથી 25000 ખેડૂતોને લાભ મળશે. મુખ્યમંત્રી કુમારસ્વામીએ બેંગ્લુરુમાં ઈન્દિરા કેન્ટિનનું વિસ્તરણ કરવાની યોજનાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં 247 ઈન્દિરા કેન્ટિન ખોલવામાં આવશે. આ કેન્ટિનો તાલુકા સ્તરે પણ ખોલવામાં આવશે. આ માટે 211 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. 



પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે
બજેટમાં જો કે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવાની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકાર તરફથી રાજ્યમાં પેટ્રોલના ભાવમાં 1.14 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ પર 1.12 રૂપિયા પ્રતિ લીટર વધારાની જાહેરાત કરવામાં આવી. જેના કારણે હવે પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થશે. 


બજેટ ભાષણમાં તેમણે કહ્યું કે હું પ્રસ્તાવ રજુ કરું છું કે પેટ્રોલ પર હાલના ટેક્સ 30 ટકાથી વધારીને 32 ટકા કરવામાં આવે. જ્યારે ડીઝલ ઉપર પણ 19 ટકા ટેક્સ વધારીને 21 ટકા કરવામાં આવે.