બેંગ્લુરુ: કર્ણાટકમાં ભાજપના બીએસ યેદિયુરપ્પાની સરકારના રાજીનામા સાથે જ કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકારનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. જેડીએસ+કોંગ્રેસે મળીને સરકાર બનાવવાની રૂપરેખા તૈયાર કરી લીધી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જેડીએસ અને તેના સહયોગી પક્ષોના 37 ધારાસભ્યોમાંથી 20ને નવી સરકારમાં મંત્રીપદ મળશે. જ્યારે 78 બેઠકો જીતનારી કોંગ્રેસે 13 મંત્રીઓ સાથે સંતોષ કરવો પડશે. સૂત્રોનું કહેવું છે કે બંને પક્ષો તરફથી મળીને તૈયાર કરાયેલા ફોર્મ્યુલા હેઠળ નવી સરકારમાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સહિત જેડીએસના 20 મંત્રી અને કોંગ્રેસ કોટામાંથી 13 મંત્રી હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી પરમેશ્વર બની શકે છે ડેપ્યુટી સીએમ, ડી કે શિવકુમાર પર સસ્પેન્સ યથાવત
સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જી પરમેશ્વરને નવી સરકારમાં ડેપ્યુટી સીએમનું પદ મળી શકે છે. જી પરમેશ્વર ગત સિદ્ધારમૈયાની સરકારમાં ગૃહમંત્રી પદે હતાં. જો કે એ સ્પષ્ટ થયું નથી કે આ રાજકીય લડાઈમાં જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપનાર ડી કે શિવકુમારને ઈનામ રૂપે શું આપવામાં આવશે. કોંગ્રેસ અને જેડીએસ ધારાસભ્યોને એકજૂથ રાખીને તેમને ભાજપથી દૂર રાખવામાં શિવકુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. એવામાં એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવી સરકારમાં તેમને કોઈ મહત્વનું પદ મળી શકે છે. સૂત્રોનું કહેવું છે કે સોમવારે એચડી કુમારસ્વામી દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.


એચડી કુમારસ્વામી 23 મેના રોજ લેશે શપથ
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ વિશ્વાસ મતનો સામનો કર્યા વગર જ રાજીનામું આપવાની જાહેરાત કરી નાખી અને ત્યારબાદ કર્ણાટકમાં માત્ર ત્રણ દિવસ જૂની યેદિયુરપ્પાની સરકાર પડી. ત્યારબાદ જેડીએસ-કોંગ્રેસના ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર એચડી કુમારસ્વામીને સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું. તેઓ 23મી મેના રોજ શપથ ગ્રહણ કરશે.


આ અગાઉ ચહેરા પર હારના ભાવ સાથે યેદિયુરપ્પાએ એક સંક્ષિપ્ત ભાવનાત્મક ભાષણ બાદ વિધાનસભામાં પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આદેશ આપ્યો હતો કે યેદિયુરપ્પાની સરકાર શનિવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્ય વિધાનસભામાં બહુમત હાંસલ કરે. જો કે રાજ્યપાલ વજુભાઈ વાળાએ તો યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો.


તેમણે વિધાનસભામાં કહ્યું કે હું મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. હું રાજભવન જઈશ અને રાજીનામું સોંપીશ. પોતાના ભાવનાત્મક ભાષણ બાદ તેમણે વિધાનસભામાં કહ્યું કે હું વિશ્વાસ મતનો સામનો કરીશ નહીં. હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. યેદિયુરપ્પાએ કહ્યું કે તેઓ હવે લોકોની પાસે જશે. ત્યારબાદ તેઓ સીધા રાજભવન ગયા અને રાજ્યપાલ વજુભાઈ વાળાને પોતાનું રાજીનામું સોંપ્યું.


રાજીવ ગાંધીની પુણ્યતિથિના કારણે કુમારસ્વામીએ શપથની તારીખ બદલી
યેદિયુરપ્પાના રાજીનામાના ગણતરીના કલાકો બાદ જેડીએસ-કોંગ્રેસ-બસપા ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર એચડી કુમારસ્વામીએ રાજ્યપાલ વજુભાઈ વાળાની મુલાકાત કરી અને તેમણે કહ્યું કે તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું છે. તે વખતે તેમણે કહ્યું કે 21મી મેના રોજ શપથ ગ્રહણ કરશે.


જો કે ત્યારબાદ તેમણે કહ્યું કે નવી સરકાર હવે 21મી મેની જગ્યાએ 23મી મેના રોજ શપથ લેશે. તેમણે આ અંગેનું કારણ ન જણાવ્યું પરંતુ જેડીએસના એક નેતાએ કહ્યું કે 21મી મેના રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી છે. આથી શપથગ્રહણની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


જેડીએસના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના 58 વર્ષના પુત્રે કહ્યું કે રાજ્યપાલે તેમને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. પરંતુ તેમણે કહ્યું કે અમારે 15 દિવસની જરૂર નથી. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને 224 સભ્યોવાળી વિધાનસભામાં 117 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. બે સીટો પર કોઈ કારણસર મતદાન થયું નથી જ્યારે કુમારસ્વામી બે બેઠકો પરથી ચૂંટણી લડ્યાં હતાં.


અત્રે જણાવવાનું કે કર્ણાટક વિધાનસભાની 224માંથી 222 બેઠકો માટે 12મી મેના રોજ મતદાન થયું હતું. જેના પરિણામ 15મી મેના રોજ જાહેર થયાં. ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો પરંતુ સ્પષ્ટ બહુમતી ન હોવાના કારણે કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને સરકાર બનાવવાની તક મળી. કોંગ્રેસને 78 બેઠકો જ્યારે જેડીએસને 37 બેઠકો પર જીત મળી.