VIDEO: કર્ણાટક : સેલ્ફી લીધી તો ભડક્યા મંત્રી, ખેંચીને ફેકી દીધો મોબાઇલ
તેમના જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ જતા મામલો બીચક્યો હતો
બેલ્લારી : હાલમાં લોકોમાં રાજનેતા કે અભિનેતાઓ સાથે સેલ્ફી લેવાનો જબરદ્સ્ત ક્રેઝ જોવા મળે છે પણ એના કારણે ક્યારેય મુશ્કેલી સર્જાઈ જતી હોય છે. હાલમાં જ એક કિસ્સામાં કર્ણાટકના મંત્રી ડીકે શિવકુમારને તેની સાથે કોઈપણ ભોગે સેલ્ફી લેવા માગતા યુવાન પર એટલો ગુસ્સો આ્વ્યો કે તેમણે આ યુવાનના હાથમાંથી ફોન લઈને એને નીચે ફેંકી દીધો હતો. હકીકતમાં બેલ્લારી ખાતે મંત્રી ડીકે શિવકુમાર એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા જ્યાં તેમને જોવા માટે હજારો લોકોની ભીડ જમા થઈ ગઈ હતી આ સમયે એક યુવક એકાએક વચ્ચે આવીને તેમની સાથે સેલ્ફી લેવા લાગ્યો હતો. યુવકની આ હરકત જોઈને મંત્રી શિવકુમાર ભડકી ગયા હતા અને તેણે યુવકના હાથમાંથી ફોન લઈને એને ફેંકી દીધો હતો.
સમાચાર એજન્સી એએનઆઇ તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ નજરે ચડે છે. વીડિયોમાં દેખાય છે કે ગુસ્સે ભરાયેલા શિવકુમારને શાંત કરવા આસપાસના કેટલાક લોકો પ્રયાસ કરે છે પણ તેઓ ફોન ઝુંટવીને ફેંકી જ દે છે.
કોણ છે ડીકે શિવકુમાર?
કર્ણાટકની રાજનીતિમાં ડીકે શિવકુમારનું નામ બહુ જાણીતું છે. તેમણે પોતાની કરિયરની શરૂઆત પૂર્વ મુખ્યમંત્રી એચડી દેવગૌડા સામે ચૂંટણી લડીને કરી હતી પણ એમાં તેમણે હારનું મોં જોયું હતું. 2013ની વિધાનસભાની ચૂંટણીમાં શિવકુમાર કનકપુરા વિધાનસભાથી જીત્યા હતા. તેઓ છે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2017માં ડીકે શિવકુમારનું નામ ઇન્કમટેક્સ ચોરીમાં સામે આવ્યું હતું. શિવકુમારે જ ગુજરાતના 44 કોંગ્રેસી ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી પહેલાં એક રિ્સોર્ટમાં રોકાવાની વ્યવસ્થા કરી હતી.