બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર લઘુમતિમાં આવી જવાની સંભાવનાઓ વધી ગઈ છે. શનિવારે કોંગ્રેસ અને જેડીએસના 14 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. જેના કારણે, ગઠબંધન સરકારના ધારાસભ્યોની સંખ્યા 105 થઈ જશે, જ્યારે વિધાનસભામાં બહુમતિ માટે 116નો આંક હોવો અનિવાર્ય છે. આ દરમિયાન રાજીનામું આપનારા ધારાસભ્યો સ્પીકરની ઓફિસમાં રાજીનામું આપ્યા પછી કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા પહોંચ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ધારાસભ્યોએ નવો દાવ ખેલતા માગણી કરી છે કે, હવે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે. કોંગ્રેસ અને તેના ધારાસભ્યો છેલ્લા ઘણા સમયથી સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાની માગણી કરતા રહ્યા છે. હવે તેમણે આ અંગે સીધો પડકાર ફેંકી દીધો છે. 


કોંગ્રેસના ધારાસભ્ય વિશ્વનાથને જણાવ્યું કે, અમે અમારા રાજીનામા કર્ણાટક વિધાનસભાના સ્પીકરને સોંપી દીધા છે. તેઓ આ અંગે મંગળવારે નિર્ણય લેશે. વર્તમાન સરકાર પોતાના કામકાજમાં કોઈને વિશ્વાસમાં લઈ શકી નથી, એટલે અમે અમારા પદ પરથી રાજીનામું આપી દીધું છે. 


કર્ણાટક સરકારના મંત્રી ડી.કે. શિવકુમાર આ રાજકીય સંકટ દૂર કરવા માટે મેદાનમાં આવી ગયા છે અને તેમણે પોતાનાં સ્તરે ધારાસભ્યોને મનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો સાથે તેમની મુલાકાત થઈ છે અને એક પણ ધારાસભ્ય રાજીનામું નહીં આપે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વર અને શિવકુમારે તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરોની એક ઈમરજન્સી મિટિંગ બોલાવી છે. 


ભાજપના સદાનંદ ગૌડાએ જણાવ્યું કે, રાજ્યમાં રાજ્યપાલનું પદ સૌથી મોટું છે. જો તેઓ ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપશે તો અમે તૈયાર છીએ. રાજ્યમાં અમારી પાર્ટી સૌથી મોટી છે અને અમારી પાસે 105 ધારાસભ્યો છે. રાજ્ય વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે જણાવ્યું કે, કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યોનું રાજીનામું તેમની ઓફિસમાં આવ્યું છે. તેઓ અત્યારે રજા પર છે અને આ અંગે સોમવારે ઓફિસ ગયા પછી જ કંઈક કહી શકશે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....