કર્ણાટક સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી, કુમારસ્વામી બોલ્યા- ગઠબંધન સરકારની જીત
કર્ણાટક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ અને જેડીએસ અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા, તો મુખ્યપ્રધાન કુમારસ્વામીએ આ પરિણામોને રાજ્યના કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારની જીત ગણાવી છે.
બેંગલુરૂઃ કર્ણાટક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજ્યની 105 સીટોના 2662 વોર્ડનો પરિણામના અંતિમ આંકડા અનુસાર કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.
કુલ 2662 વોર્ડોમાં કોંગ્રેસને 982, ભાજપને 929 અને જેડીએસને 375 સીટો મળી છે. આ સિવાય 329 સીટો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. તો બીએસપીને 13 વોર્ડ અને અન્યના ખાતામાં 34 સીટો આપી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પર બોલતા પૂર્વ મુખ્યપ્રધાન એચ ડી દેવેગૌડાએ કહ્યું કે, અમે સફળ થયા છીએ. જેડીએસ અને કોંગ્રેસ ભાજપને દૂર રાખવા માટે એક સાથે કામ કરશે.
તો આ પરિણામ પર કર્ણાટકના મુખ્યપ્રધાન એચ ડી કુમારસ્વામીએ કહ્યું કે, સામાન્ય રીતે શહેરી મતદાતા ભાજપને મત આપે છે, પરંતુ આ પરિણામથી સાબિત થયું કે હવે શહેરી મતદાતા પણ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને સમર્થન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર કોંગ્રેસ અને જેડીએસ એકબીજા વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા. આજ કારણ છે કે સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ વચ્ચે કાંટાની ટક્કર હતી. મહત્વનું છે કે 31 ઓગસ્ટે રાજ્યના 105 શહેરી સ્થાનિક ક્ષેત્ર પર ચૂંટણી થઈ હતી. તેમાં 29 શહેર નગરપાલિકા, 53 નગરપાલિકાઓ, 23 નગર પંચાયત અને 135 કોર્પોરેશન વોર્ડ માટે મતદાન થયું હતું.
આ સમામ સીટોની સ્થાનિક ચૂંટણીના વોર્ડ માટે 8340 ઉમેદવાર હતા. તો કોંગ્રેસના 2306, ભાજપના 2203 અને 1397 જેડીએસના હતા. આ ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો હતો.