શિવરાજ સિંહના પુત્રએ રાહુલ ગાંધી સામે કર્યો માનહાનિનો કેસ, કહ્યું આખી કોંગ્રેસ જ કન્ફ્યુઝ
કાર્તિકેયે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સુરેશ સિંહની વિશેષ કોર્ટમાં દાખલ કરેલા માનહાનિ કેસમાં આરોપ લગાવ્યો કે, રાહુલે તેને તથા તેના સમગ્ર પરિવારને બદનામ કરવા માટે જાણીજોઈને આવું નિવેદન આપ્યું છે
ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેય ચૌહાણે તેનું નામ પનામા પેપર્સ લીક કેસમાં લેવાયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ભોપાલની એક કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કાર્તિકેયે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સુરેશ સિંહની વિશેષ કોર્ટમાં દાખલ કરેલા માનહાનિ કેસમાં આરોપ લગાવ્યો કે, રાહુલે તેને તથા તેના સમગ્ર પરિવારને બદનામ કરવા માટે જાણીજોઈને આવું નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધી સામે આઈપીસીની કલમ 499 અને 500 અંતર્ગત માનહાનિનો કેસ દાખલ કરાયો છે. કોર્ટે આ કેસમાં કાર્તિકેયનું નિવેદન નોંધવા માટે 3 નવેમ્બરે સુનાવણી રાખી છે.
કાર્તિકેયના વકીલ શિરીશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, "તેઓ જ્યારે (કોંગ્રેસ) મુખ્યમંત્રીની લોકપ્રિયતાને રોકવામાં નિષ્ફળ થઈ ગયા છે તો તેમણે શિવરાજ સિંહ ચૌહાણ અને તેમના સમગ્ર પરિવારને બદનામ કરવા માટે જાણી જોઈને આવું નિવેદન આપ્યું છે. હવે તેઓ મુખ્યમંત્રી અને તેમનાં બાળકો પર આરોપ લગાવી રહ્યા છે. સ્પષ્ટ રીતે આ નિવેદન જાણીજોઈને કરાયું છે."
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018: ત્રીજી યાદીમાં ભાજપના 11 ઉમેદવાર જાહેર
કાર્તિકેયે સોમવારે રાત્રે ટ્વીટર પર લખ્યું હતું કે, "રાહુલ ગાંધીજીએ 'પનામા પેપર્સ'માં સંડોવાયેલા હોવા અંગે ખોટું નિવેદન આપ્યું છે. હું વ્યથિત છું. જાહેર મંચ પર મારી અને મારા પરિવારની પ્રતિષ્ઠા ખરડાઈ છે. જો 48 કલાકમાં માફી નહીં માગે તેમના સામે કાર્યવાહી કરવાની મને ફરજ પડશે."
રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન
રાહુલ ગાંધીએ ઈન્દોરમાં પોતાના ચૂંટણી પ્રવાસ દરમિયાન પનામા પેપર અને વ્યાપમં ગોટાળાની વાત કરતા જણાવ્યું હતું કે, 'કેટલાક શ્રીમંતોનું કાળું નાણું સફેદ કરવા માટે જ 2016માં નોટબંધી લાવવામાં આવી હતી. એક મુખ્યમંત્રી 'મામાજી'ના પુત્રનું નામ પણ પનામા પેપર્સમાં આવ્યું હતું, પરંતુ તેમની સામે આજ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફનું નામ નિકળે છે તો પાકિસ્તાન જેવો દેશ તેમને જેલમાં નાખી દેછે, પરંતુ અહીં મુખ્યમંત્રીના પુત્રનું નામ પનામા પેપર્સમાં આવ્યું તો કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.'
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: રાહુલ ગાંધીએ પીએમ મોદી સામે કર્યો વાંધાજનક ભાષાનો પ્રયોગ
કાર્તિકેયે કહ્યું, કોંગ્રેસમાં બધા જ કન્ફ્યુઝ
કાર્તિકેયે કેસ દાખલ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાહુલ ગાંધીએ ફરી એક વખત નિવેદન આપ્યું છે કે તેઓ કન્ફ્યુઝ છે. કોંગ્રેસ પાર્ટી પણ સંપૂર્ણપણે કન્ફ્યુઝ છે. રાહુલ ગાંધી કન્ફ્યુઝ છે. તેમના કાર્યકર્તા કન્ફ્યુઝ છે. જે લોકોને ચૂંટણીમાં ટિકિટ અપાઈ છે તેઓ પણ કન્ફ્યુઝ છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી- 2018: નકલી મતદાન રોકવા ચૂંટણી પંચની વિશેષ તૈયારી
રાહુલ ગાંધીનો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ પોતાના એ નિવેદન અંગે સ્પષ્ટતા પણ આપી હતી, જેમાં તેમણે શિવરાજ સિંહ અને તેમના પુત્ર કાર્તિકેય પર પનામા પેપર્સ અંગે નિશાન સાધ્યું હતું. એક જાહેર સભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 'ભાજપમાં એટલો બધો ભ્રષ્ટાચાર છે કે હું કન્ફ્યુઝ થઈ ગયો હતો. મધ્યપ્રદેશના સીએમે પનામા નહીં પરંતુ તેમણે તો વ્યાપમં અને ઈ-ટેન્ડરિંગ ગોટાળો કર્યો છે.'