કરુણાનિધિ કેમ હંમેશા કાળા ચશ્મા પહેરતા હતાં અને પીળી શાલ ઓઢતા હતાં? ખાસ છે કારણ
કરુણાનિધિ કાયમ કાળા ચશ્મા પહેરેલા અને પીળી શાલ ઓઢેલા જોવા મળતા હતાં.
નવી દિલ્હી: ડીએમકે નેતા કરુણાનિધિ પોતાની પબ્લિક છબી અને સ્ટાઈલને લઈને ખુબ જાગૃત રહેતા હતાં. આ જ કારણે તેમણે પોતાની પસંદગીના કાળા ચશ્મા અને પીળી શાલને તેમણે પોતાની ફેશન સ્ટેટમેન્ટ બનાવી દીધા હતાં. સાર્વજનિક સમારોહમાં જતા પહેલા તેઓ પીળી શાલ ઓઢવાનું ક્યારેય ભૂલતા નહતાં. આ જ કારણથી પીળી શાલ તેમની ઓળખ બની ગઈ. તામિલનાડુના અનેક નેતાઓએ આ મામલે તેમની નકલ કરી છે.
જો કે એ પણ સાચુ છે કે જ્યારે 1957માં પહેલીવાર કરુણાનિધિ વિધાનસભા પહોંચ્યા તો તે સમયે તેઓ કાળા ચશ્મા નહતા પહેરતા. પરંતુ 1960માં તેમણે પહેરવાના શરૂ કર્યાં. હકીકતમાં એક અકસ્માતમાં તેમની ડાબી આંખ ખરાબ થઈ ગઈ. આ જ કારણે પહેલા મજબુરીમાં તેમણે કાળા ચશ્મા પહેરવાના શરૂ કર્યાં અને ત્યારબાદ તેમને એટલા ગમ્યા કે તેમણે લગભગ અડધી સદી સુધી તેને ધારણ કર્યાં.
એ પણ એક માત્ર સંયોગ જ છે કે કરુણાનિધિના કટ્ટર હરિફ અન્નામુદ્રક નેતા એમજી રામચંદ્રન પણ કાળા ચશ્મા પહેરતા હતાં. તેમના અંગે કહેવાય છે કે એમજીઆરના મૃત્યુ બાદ તેમના કાળા ચશ્માને પણ તેમની સાથે જ દફનાવવામાં આવ્યાં હતાં.
(કરુણાનિધિના નવા ચશ્માની ફ્રેમ જૂના ચશ્મા કરતા વજનમાં હળવી હતી)
જ્યારે કરુણાનિધિએ પોતાના ચશ્મા બદલ્યાં
અડધી સદી કરતા પણ વધુ સમય સુધી કાળા ચશ્મા ધારણ કર્યા બાદ 2017માં કરુણાનિધિએ પોતાના ચશ્મા બદલ્યાં. નવા ચશ્માની ફ્રેબ પહેલા કરતા હળવી હતી. જ્યારે ચશ્મા બદલવામાં આવ્યાં તો મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમના ચશ્મા ચેન્નાઈની વિજ્યા ઓપ્ટિક્સે જર્મનીથી ઈમ્પોર્ટ કર્યા હતાં. વિજય ઓપ્ટિક્સને કરુણાનિધિની પસંદના ચશ્મા શોધવા માટે જર્મનીમાં 40 દિવસ સુધી શોધ ચલાવવી પડી હતી. ત્યારે તેમની પસંદગીના ચશ્મા મળ્યાં.
સમાચાર પત્ર હિંદુના રિપોર્ટ મુજબ વિજ્યા ઓપ્ટિક્સે જણાવ્યું કે કરુણાનિધિના જૂના ચશ્મા ખુબ ભારે અને અસુવિધાજનક હતાં. આમ છતાં તેમને પોતાના આ ચશ્મા ખુબ ગમતા હતાં અને તેઓ તેને બદલવા માંગતા નહતાં. ડોક્ટરની સલાહ બાદ જ તેમણે ચશ્મા બદલવા માટે પોતાની સહમતિ આપી હતી.