એમ કરુણાનિધિને પણ દાહ સંસ્કારની જગ્યાએ દફનાવવામાં આવશે, જાણો કારણ
ડીએમકે નેતા એમ કરુણાનિધિના નિધન બાદ દ્રવિડ રાજકીય પરંપરા મુજબ એવું કહેવાય છે કે તેમને પણ દફનાવવામાં આવશે.
નવી દિલ્હી: ડીએમકે નેતા એમ કરુણાનિધિના નિધન બાદ દ્રવિડ રાજકીય પરંપરા મુજબ એવું કહેવાય છે કે તેમને પણ દફનાવવામાં આવશે. તેની પાછળનું કારણ કઈંક એવું છે કે દ્રવિડ આંદોલનના મોટા નેતા પરિયાર, સીએન અન્નાદુરાઈ, એમજી રામચંદ્રન અને જયલલિતા જેવી હસ્તીઓને દફનાવવામાં આવેલી છે. આ કારણોસર ચંદન અને ગુલાબજળ સાથે આ નેતાઓને દફનાવવામાં આવ્યાં છે. વાસ્તવમાં તેમને દ્રવિડ આંદોલનની પૃષ્ઠભૂમિ સાથે જોડીને જોવામાં આવી રહ્યાં છે.
દ્રવિડ આંદોલન
દ્રવિડ આંદોલન મુખ્ય રીતે બ્રાહ્મણવાદ અને હિંદીભાષાના વિરોધમાં ઊભર્યુ હતું. બ્રાહ્મણવાદના વિરોધ સ્વરૂપ દ્રવિડ આંદોલનના નેતાઓએ હિંદુધર્મની માન્યતાઓને ફગાવી હતી. જેના કારણે આ આંદોલનના નેતાઓ નાસ્તિક રહ્યાં. તેમણે સૈદ્ધાંતિક રીતે ઈશ્વર અને હિંદુધર્મ સાથે જોડાયેલા પ્રતિકોનો સ્વીકાર ક્યો નહીં. તેમણે તેની જગ્યાએ પ્રકૃતિ અને માનવતાવાદ પર ભાર મૂક્યો.
જો કે બાકીના દ્રવિડ નેતાઓથી ઉલટ જયલલિતા આયંગર બ્રાહ્મણ હતા. તેઓ માથા પર હંમેશા આયંગર નમમ(એક પ્રકારનું તિલક) લગાવતા હતાં. આયંગર બ્રાહ્મણોમાં દાહ સંસ્કારની પરંપરા છે. પરંતુ આમ છતાં તેમને દફનાવવામાં આવ્યાં. જયલલિતાના સંબંધમાં જો કે એવો તર્ક અપાયો હતો કે તેઓ કોઈ જાતિ કે ધાર્મિક ઓળખથી ઉપર હતાં.
સમાધિનું ચલણ
દ્રવિડ નેતાઓને દફનાવીને તેમની સમાધિ બનાવવાનું પણ ચલણ છે. તેની પાછળ મુખ્યરીતે રાજકીય કારણ એ છે કે આ પ્રકારના સ્મારક બનાવવાથી સમર્થકોને સ્મૃતિ તરીકે પોતાના નેતાઓને યાદ રાખવામાં સહાયતા અને પ્રેરણા મળે છે.