તિરુવનંતપુરમ/નવી દિલ્હી: કેરળ હાલ કુદરતના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે. પૂર અને વરસાદથી હાલાત દિનપ્રતિદિન બગડી રહ્યાં છે. સ્થિતિ એટલી ચિંતાજનક છે કે છેલ્લા નવ દિવસમાં કેરળમાં પૂર અને ભારે વરસાદના કારણે મૃતકોની સંખ્યા 324 પર પહોંચી ગઈ છે. સ્થિતિની ગંભીરતા જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાતે જ કેરળ પહોંચી ગયાં. આજે સવારે તેમણે રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરીને પૂરગ્રસ્ત વિસ્તારોના રાહત અને બચાવ કાર્ય અંગે સમીક્ષા કરી. સમીક્ષા બેઠક બાદ તેમણે સીએમ વિજયન સાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. હવાઈ નિરીક્ષણ બાદ તેમણે કહ્યું કે આખો દેશ અત્યારે કેરળની પડખે છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે મારી સંવેદનાઓ પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવાર સાથે છે. હું કામના કરું છું કે ઘાયલો જલદી સાજા થાય. અમે બધા  કેરળવાસીઓની સુરક્ષા અને વધુ સારી સ્થિતિ માટે પ્રાર્થના કરીએ છીએ. હાલ આખો દેશ કેરળની સાથે છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તત્કાળ આર્થિક સહાયની જાહેરાત
પીએમ મોદીએ ભયાનક પૂર ત્રાસદીનો સામનો કરી રહેલા કેરળ માટે તત્કાળ આર્થિક સહાય તરીકે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ અગાઉ પણ પીએમ તરફથી 100 કરોડ રૂપિયા આર્થિક સહાયતાની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ કેરળમાં પૂર અને વરસાદમાં જીવ ગુમાવેલા લોકોના પરિજનોને 2-2 લાખ રૂપિયાની સહાય અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50-50 હજાર રૂપિયા સહાયની જાહેરાત કરી છે. આ સહાય વડાપ્રધાન રાષ્ટ્રીય આપદા રાહત કોષમાંથી આપવામાં આવશે. 



મુખ્યમંત્રી સાથે સમીક્ષા બેઠક
પીએમ મોદી હાલ કોચ્ચિમાં રાજ્યના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, કેન્દ્રીય મંત્રી કેજે એલ્ફોન્સ અને અન્ય અધિકારીઓ સાથે પૂર અને રાહત બચાવકાર્યોને લઈને સમીક્ષા બેઠક કરી રહ્યાં છે. 



કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળમાં ભયાનક પૂરથી થયેલા જાનમાલના ભારે નુકસાન પર શુક્રવારે દુખ વ્યક્ત કર્યું અને રાજ્યના પાર્ટીના કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે તેઓ પ્રભાવિત લોકોની મદદ માટે આગળ વધે. 


મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા
કેરળના ચિંતાજનક હાલાત જોતા ત્યાંના મુખ્યમંત્રી પી વિજયને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે કેરળ છેલ્લા 100 વર્ષમાં સૌથી ભીષણ પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. 80 ડેમ ખોલી નાખવામાં આવ્યાં છે. 324 લોકોના મોત થયા છે, 2,23,139 લોકોને 1500થી વધુ રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યાં છે. તેમણે લોકોને પૂરગ્રસ્તોની મદદ આવવા માટે પણ અપીલ કરી છે. 



આઠ હજાર કરોડનું નુકસાન
રાજ્યમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી અને પેટ્રોલ પંપોમાં ફ્યૂલની કમીથી સંકટ વધુ ગહેરું બની રહ્યું છે. અધિકારીઓએ આ જાણકારી આપી. લગભગ એક સદીના સૌથી ભયાનક અને વિનાશક પૂરમાં આઠ ઓગસ્ટ બાદથી અત્યાર સુધીમાં 324 લોકોના મોત થઈ ચૂક્યા છે. હજારો એક્ટર ભૂભાગની ફસલ તબાહ થઈ ગઈ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખુબ નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં કુલ 8000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું આકલન કરવામાં આવ્યું છે. 


ગામડા બન્યા ટાપુ, બચાવકાર્ય ચાલુ
એનડીઆરએફની ટીમો ઉપરાંત સેના, નેવી, વાયુસેનાના કર્મીઓ પણ પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવાના કાર્યમાં જોડાયેલા છે. લોકો પોતાના ઘરોની છતો, ઊંચા સ્થાનો પર ફસાયેલા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનના કારણે પથરા તૂટીને નીચે પડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. આથી ત્યાં રહેનારા લોકોનો સંપર્ક કટ થયો છે. આ ગામડા હાલ ટાપુમાં ફેરવાઈ ગયા છે. 


સેંકડો લોકો ફસાયા છે
મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત સેંકડો લોકો એવી જગ્યાઓ પર ફસાયા છે જ્યાં નૌકાથી પહોંચવું મુશ્કેલ છે. તે લોકોને રક્ષા મંત્રાલયના હેલિકોપ્ટરથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યાં છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટનમાં રહેતા પ્રવાસી કેરળવાસીઓ પોત પોતાના પ્રિયજનોની મદદ માટે ટીવી ચેનલોના માધ્યમથી અધિકારીઓને ગુહાર લગાવી રહ્યાં છે. 


રાજ્યોએ કરી આર્થિક મદદની જાહેરાત
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પૂરગ્રસ્ત કેરળ માટે 10 કરોડ રૂપિયાની તત્કાળ સહાયની જાહેરાત કરી છે. સરકારી નિવેદનમાં કહેવાયું છે કે પાંચ કરોડ રૂપિયા પંજાબ મુખ્યમંત્રી રાહતકોષમાંથી કેરળના મુખ્યમંત્રી રાહતકોષમાં ટ્રાન્સફર કરાઈ રહ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેરળ માટે 10 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ 10 કરોડની સહાયની જાહેરાત કરી છે. 



50000થી વધુ પરિવારો રાહત શિબિરમાં 
વિજયને રક્ષામંત્રી નિર્મલા સીતારમણની સાથે વાત કરી અને કહ્યું કે હાલાત સતત ગંભીર થઈ રહ્યાં છે. 50000થી વધુ પરિવારોમાંથી 2.23 લાખ લોકોએ રાહત શિબિરોમાં શરણ લીધી છે. કેટલીક જગ્યા પર વરસાદ ધીમો પડ્યો છે પરંતુ પથનમથિટ્ટા, એર્નાકુલમ અને ત્રિશુર જિલ્લાઓમાં હજુ પણ સંકટ છે. 



વાહનવ્યવહાર પ્રભાવિત
અલુવા, કાલાડી, પેરામ્બવુર, મુવાટુટપુઝા તથા ચાલાકુડીમાં ફસાયેલા લોકોને કાઢવાના કાર્યમાં મદદના ઈરાદે કેટલાક સ્થાનિક માછીમારો પણ પોત પોતાની નૌકાઓ લઈને બચાવ અભિયાનમાં સામેલ થયા છે. કોચ્ચિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે પર પૂરનું પાણી આવી જવાથી વિમાનની અવરજવર બંધ છે. સૂત્રોએ જણાવ્યું કે અનેક ટ્રેનો કાં તો રદ કરાઈ છે અને કાંતો તેના સમયમાં ફેરફાર કરાયા છે. હાલ અત્યાર સુધી કોચ્ચિ મેટ્રોની સેવાઓ પ્રભાવિત થઈ નથી. હવામાન વિભાગે રાજ્યના વિભિન્ન હિસ્સાઓમાં ભારે વરસાદની આગાહી  કરી છે.