નવી દિલ્હી: ભારતે સ્પષ્ટતા કરી છે કે તે પોતાની એક નીતિ અંતર્ગત પૂર પ્રભાવિત કેરલ માટે વિદેશી સરકારો પાસેથી નાણાકીય સહાય સ્વીકારશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે સરકાર કેરલમાં રાહત અને પુર્નવસનની જરૂરિયાતોને ઘરેલુ પ્રયત્નો દ્વારા પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરલમાં પૂર રાહત અભિયાનો માટે અનેક દેશોએ મદદની જાહેરાત કરી છે. એક બાજુ યુએઈએ કેરલને 700 કરોડના પેકેજની રજુઆત કરી છે. જ્યારે કતારે 35 કરોડ અને માલદીવે 35 લાખ રૂપિયા આપવાની રજુઆત કરી છે. જો કે રવીશકુમારે કહ્યું કે બિન પ્રવાસી ભારતીયો અને ફાઉન્ડેશનો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનના રાહત કોષ અને મુખ્યમંત્રી રાહત કોષમાં મોકલાયેલા ફંડનું સ્વાગત છે. 


કેરલ સરકાર યુએઈ પાસેથી સહાય મેળવવા માટે ઈચ્છુક છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે યુએઈ પાસેથી પૂર રાહત સહાયતા પ્રાપ્ત કરવામાં જો કોઈ વિધ્ન હોય તો તેને દૂર કરવા માટે રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કરશે. કુમારે કહ્યું કે "ભારત સરકાર કેરલમાં પૂર પ્રભાવિતોની મદદ માટે કરાયેલી રજુઆતને લઈને અન્ય દેશોને બિરદાવે છે. તેમણે કહ્યું કે હાલની એક નીતિ હેઠળ સરકાર ઘરેલુ પ્રયત્નોના માધ્યમથી રાહત અને પુર્નવિકાસની જરૂરિયાતોને પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે."


સૂત્રોએ જણાવ્યું કે ભારતે પહેલેથી પોતાનો નિર્ણય જણાવી દીધો છે કે તે વિભિન્ન દેશો દ્વારા કેરલને આપવામાં આવતી મદદનો સ્વીકર કરશે નહીં. ભારતમાં નિયુક્તિ થાઈલેન્ડના રાજદૂત સી એસ ગોંગ્સાકદીએ ટ્વિટ કરીને કહ્યું કે ભારત સરકારે તેમના દેશને કહ્યું છે કે તેઓ કેરલમાં પૂર રાહત સહાયતા માટે વિદેશમાંથી ફંડ સ્વીકારશે નહીં. 


અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે ભારત વિદેશી સરકારોને આ અંગે અવગત કરાવી રહ્યું છે કે તે કેરલમાં પૂરથી થયેલા નુક્સાનનું વ્યાપક આકલન કરી રહ્યું છે અને તે રાજ્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ છે.  થાઈ રાજદૂતે ટ્વિટ કરીને કહ્યું કે અફસોસ સાથે જણાવી રહ્યો છું કે ભારત સરકાર કેરલમાં પૂર રાહત માટે વિદેશી મદદ સ્વીકારવાની ના પાડી  રહી છે. અમે ભારતના લોકોની પડખે છીએ. 


સૂત્રોએ જણાવ્યું કે પ્રવાસી ભારતીયો પાસેથી અને ખાનગી મદદ સ્વીકારવામાં કોઈ પ્રતિબંધ નથી. યુએઈએ કેરલ સાથેના પોતાના સંબંધોને લઈને 700 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. અધિકૃત આંકડા મુજબ લગભગ 30 લાખ ભારતીયો યુએઈમાં રહે છે અને ત્યાં કામ કરે છે. જેમાંથી 80 ટકા જેટલા તો કેરલના છે. કેરલમાં આવેલા પૂરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે અને 14 લાખથી વધુ લોકો બેઘર થયા છે.