કેરળમાં પૂરઃ 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, અત્યાર સુધી 3.50 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત
કોચીઃ શનિવારે ભારતના હવામાન વિભાગે કેરળ રાજ્યના પૂરથી પ્રભાવિત 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેરળના મુખ્યમંત્રીની ઓફિસમાંથી કરાયેલી જાહેરાત પ્રમાણે થિરૂવનન્તપુરમ, કોલમ અને કસારાગોડ જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓમાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના વિસ્તારોમાં સર્જાયેલા હવાના નીચા દબાણને કારણે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કેરળ રાજ્ય સદીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. હાલ રાજ્યના 80 ડેમનાં તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા મુજબ, 8 ઓગસ્ટ સુધીમાં 194 લોકોનાં મોત થયા છે અને 36 લોકોનો કોઈ ભાળ મળતી નથી. મુખ્યમંત્રી પિનારાયી વિજયને જણાવ્યું કે, 29 મેથી અત્યાર સુધીમાં ભારે વરસાદને કારણે કુલ 357 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. 3.53 લાખથી વધુ લોકોને 2000 જેટલા રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે.
પૂરને કારણે સૌથી ખરાબ રીતે પ્રભાવિત વિસ્તારોમાં અલુવા, ચલાકુડી, ચેનગન્નુર, અલાપુઝા અને પથાનમથિટ્ટા છે, જ્યાં રાહત કાર્યો પૂરજોશમાં ચાલુ છે અને સૌથી વધુ લોકોને અહીં રેસ્ક્યુ કરાયા છે.
આ અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના ગવર્નર પી. સથશિવમ, મુખ્યમંત્રી પિનારાયી વિજયન અને કેન્દ્રી મંત્રી કે.જે. અલ્ફોન્સ સાથે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. વડા પ્રધાને હવાઈ નિરીક્ષણ કર્યા બાદ કેરળ માટે તાત્કાલિક ધોરણે રૂ.500 કરોડની સહાયની જાહેરાત કરી હતી. આ અગાઉ વડા પ્રધાન રૂ.100 કરોડની સહાય આપી ચૂક્યા હતા.
વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં મળેલી પૂર રાહતની સમીક્ષા કરવા માટે મળેલી ઉચ્ચ કક્ષાની બેઠક બાદ તેમણે કેરળના પૂરપ્રભાવિત લોકો માટે અસંખ્ય ટ્વીટ કરી હતી. જેમાં મોદીએ જણાવ્યં કે, "આવી કપરી ઘડીમાં સંયમ જાળવીને તેનો સામનો કરવા બદલ હું કેરળના પ્રજાજનોને સલામ કરું છું. દેશ કેરળના લોકોની પડખે ઊભો છે."
આઠ હજાર કરોડનું નુકસાન
રાજ્યમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી અને પેટ્રોલ પંપોમાં ફ્યૂલની કમીથી સંકટ વધુ ગહેરું બની રહ્યું છે. અધિકારીઓએ આ જાણકારી આપી. લગભગ એક સદીના સૌથી ભયાનક અને વિનાશક પૂરમાં આઠ ઓગસ્ટ બાદથી અત્યાર સુધીમાં 324 લોકોના મોત થઈ ચૂક્યા છે. હજારો એક્ટર ભૂભાગની ફસલ તબાહ થઈ ગઈ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખુબ નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં કુલ 8000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું આકલન કરવામાં આવ્યું છે.
ગામડા બન્યા ટાપુ, બચાવકાર્ય ચાલુ
એનડીઆરએફની ટીમો ઉપરાંત સેના, નેવી, વાયુસેનાના કર્મીઓ પણ પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવાના કાર્યમાં જોડાયેલા છે. લોકો પોતાના ઘરોની છતો, ઊંચા સ્થાનો પર ફસાયેલા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનના કારણે પથરા તૂટીને નીચે પડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. આથી ત્યાં રહેનારા લોકોનો સંપર્ક કટ થયો છે. આ ગામડા હાલ ટાપુમાં ફેરવાઈ ગયા છે.
સેંકડો લોકો ફસાયા છે
મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત સેંકડો લોકો એવી જગ્યાઓ પર ફસાયા છે જ્યાં નૌકાથી પહોંચવું મુશ્કેલ છે. તે લોકોને રક્ષા મંત્રાલયના હેલિકોપ્ટરથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યાં છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટનમાં રહેતા પ્રવાસી કેરળવાસીઓ પોત પોતાના પ્રિયજનોની મદદ માટે ટીવી ચેનલોના માધ્યમથી અધિકારીઓને ગુહાર લગાવી રહ્યાં છે.
રાજ્યોએ કરી આર્થિક મદદની જાહેરાત
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પૂરગ્રસ્ત કેરળ માટે 10 કરોડ રૂપિયાની તત્કાળ સહાયની જાહેરાત કરી છે. સરકારી નિવેદનમાં કહેવાયું છે કે પાંચ કરોડ રૂપિયા પંજાબ મુખ્યમંત્રી રાહતકોષમાંથી કેરળના મુખ્યમંત્રી રાહતકોષમાં ટ્રાન્સફર કરાઈ રહ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેરળ માટે 10 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ 10 કરોડની સહાયની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રૂ.20 કરોડ આપવાની જાહેરાત કરી હતી.
50000થી વધુ પરિવારો રાહત શિબિરમાં
વિજયને રક્ષામંત્રી નિર્મલા સીતારમણની સાથે વાત કરી અને કહ્યું કે હાલાત સતત ગંભીર થઈ રહ્યાં છે. 50000થી વધુ પરિવારોમાંથી 2.23 લાખ લોકોએ રાહત શિબિરોમાં શરણ લીધી છે. કેટલીક જગ્યા પર વરસાદ ધીમો પડ્યો છે પરંતુ પથનમથિટ્ટા, એર્નાકુલમ અને ત્રિશુર જિલ્લાઓમાં હજુ પણ સંકટ છે.
વાહનવ્યવહાર પ્રભાવિત
અલુવા, કાલાડી, પેરામ્બવુર, મુવાટુટપુઝા તથા ચાલાકુડીમાં ફસાયેલા લોકોને કાઢવાના કાર્યમાં મદદના ઈરાદે કેટલાક સ્થાનિક માછીમારો પણ પોત પોતાની નૌકાઓ લઈને બચાવ અભિયાનમાં સામેલ થયા છે. કોચ્ચિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે પર પૂરનું પાણી આવી જવાથી વિમાનની અવરજવર બંધ છે. સૂત્રોએ જણાવ્યું કે અનેક ટ્રેનો કાં તો રદ કરાઈ છે અને કાંતો તેના સમયમાં ફેરફાર કરાયા છે. હાલ અત્યાર સુધી કોચ્ચિ મેટ્રોની સેવાઓ પ્રભાવિત થઈ નથી.