કેરળમાં 11 મહિલાઓનું ભાગ્ય ઉધારના પૈસાથી એવું ચમકી ગયું કે રાતોરાત કરોડપતિ બની ગઈ. આ મહિલાઓ પાસે થોડા સમય પહેલા લોટરીની ટિકિટ ખરીદવા માટે 250 રૂપિયા સુદ્ધા ન હતા. પરંતુ હવે તેમને 10 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. મહિલાઓએ થોડા સમય પહેલા 250 રૂપિયાની લોટરીની ટિકિટ લેવા માટે પૈસા ભેગા કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમની પાસે પર્સમાં 25 રૂપિયા પણ નહતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમાંથી એક મહિલાએ પોતાનું ભાગ્ય અજમાવવા માટે એક પરિચિત વ્યક્તિ પાસેથી મામૂલી રકમ ઉધાર લીધી. કેરળના પરપ્પનંગડી નગર પાલિકા હેઠળ આવતા હરિતા સેનામાં આ 11 મહિલાઓ કચરો ઉઠાવવાનું કામ કરે છે. આ મહિલાઓએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહતું કે તેઓ એક જ  ઝટકે કરોડપતિ બની જશે. બુધવારે આયોજિત એક ડ્રો બાદ કેરળ લોટરી વિભાગ દ્વારા તેમને 10 કરોડ રૂપિયાના મોનસૂન બંપરના વિજેતા જાહેર કરવામાં આવ્યા. 


પોતાના સહકર્મીઓ પાસેથી પૈસા ભેગા કર્યા બાદ ટિકિટ લેનારી રાધાએ ખુશ થઈને કહ્યું કે અમે પહેલા પણ પૈસા ભેગા કરીને લોટરી ટિકિટ લીધેલી છે. પરંતુ આવું પહેલીવાર બન્યું છે કે અમે કોઈ મોટું ઈનામ જીત્યું છે. એક અન્ય મહિલાએ કહ્યું કે તેઓ ડ્રોનો આતુરતાપૂર્વક રાહ જોતા હતા. પરંતુ જ્યારે કોઈએ જણાવ્યું કે પાડોશી પલક્કડમાં વેચાયેલી એક ટિકિટે પહેલો પુરસ્કાર જીત્યો છે તો તેમને દુખ  થયું હતું. 


તેમણે જણાવ્યું કે જ્યારે છેલ્લે ખબર પડી કે અમે જ જેકપોટ જીત્યો છે તો ઉત્સાહ અને ખુશીનો કોઈ પાર નરહ્યો. અમે બધા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ અને પૈસા અમારી સમસ્યાઓને દૂર કરવામાં ખુબ મદદ કરશે. મહિલાઓને ગુજરાન ચલાવવામાં ખુબ મુશ્કેલીઓ પડી રહી છે અને હરિત કર્મ સેનાના સભ્યો તરીકે તેમને જે મામૂલી પગાર મળે છે તે  તેમના પરિવારોની એકમાત્ર આવક છે. 


હરિતા કર્મ સેના ઘરે ઘરે અને પ્રતિષ્ઠાનોમાંથી બિન બાયોડિગ્રેડેબલ કચરો ઉઠાવે છે જેને રિસાયકલિંગ કરવા માટે શ્રેડિંગ યુનિટ્સમાં મોકલવામાં આવે છે. નગર પાલિકામાં હરિતા કર્મ સેના કન્સોર્ટિયમના અધ્યક્ષ શીજાએ કહ્યું કે આ વખતે ભાગ્યની મહેરબાની સૌથી યોગ્ય મહિલાઓ પર થઈ છે. તેમણે કહ્યું કે તમામ વિજેતા ખુબ મહેનતુ છે અને પોતાના પરિવાર માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે. 


તેમણે જણાવ્યું કે અનેક લોકોનું કરજ ચૂકવવાનું છે, દીકરીઓના લગ્ન કરવાના છે, કે તેમને પોતાના પ્રિયજનોની સારવારનો ખર્ચો ઉઠાવવાનો છે. તેઓ જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે લડતા ખુબ જ સાધારણ ઘરોમાં રહે છે. બંપર લોટરી વિજેતાઓને મળવા અને શુભેચ્છાઓ પાઠવવા માટે ગુરુવારે મોટી સંખ્યામાં લોકો નગર પાલિકા ગોદામમાં ઉમટી પડ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube