કેરળમાં વરસાદ અને ભુસ્ખલનથી તબાહી: 22 લોકોનાં મોત, બચાવમાં આર્મી ઉતારાઇ
કેરળમાં કુદરત કોપી હોય તેમ છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદના કારણે રાજ્યની પરિસ્થિતી વણસી ગઇ છે, એક તબક્કે તો એરપોર્ટ પણ બંધ કરવાની ફરજ પડી હતી
નવી દિલ્હી : કેરળમાં કુદરતે ભારે તબાહી મચાવી છે. અહીં આજે સવારે રાજ્યમાં ભારે વરસાદ અને ભુસ્ખલનની ઘટનામાં 22 લોકોનાં મોત થઇ ચુક્યા છે. રાજ્યમાં પરિસ્થિતી એટલી ભયાનક થઇ ચુકી છે કે કોચીન એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ ચેન્નાઇથી NDRFની ચાર ટીમો કેરળ માટે રવાના થઇ ચુકી છે. મુખ્યમંત્રી પિનારઇ વિજયને પણ પરિસ્થિતી જોતા ઇમરજન્સી બેઠક બોલાવી છે.
પેરિયાર નદીનું જળસ્તર વધ્યું
કોચિન આંતરરાષ્ટ્રીય હવાઇ મથક લિમિટેડ (સીઆઇએએલ)એ પેરિયાર નદીમાં વધી રહેલા જળ સ્તરને જોતા હવાઇ મથક ક્ષેત્ર જળમગ્ન થવાની આશંકા હેઠળ અહીં વિમાનોના લેન્ડિંગને અટકાવી દીધું છે. સીઆઇએએળ નદીની નજીક આવેલ છે. જો કે બે કલાક બાદ એરપોર્ટ પર હવાઇ સેવા ફરીથી ચાલુ કરી દેવાઇ. કોચીન આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના પ્રવક્તાએ જણાવ્યું કે, પરિસ્થિતીમાં સુધારો થયા બાદ અમે આજે બપોરે 5 વાગ્યે તમામ સેવાઓ ચાલુ કરી દીધી છે. અગાઉ સીઆઇએએલએ બપોરે 1 વાગ્યે વિમાની સેવા અટકાવી દીધી હતી.
રેલ્વે ટ્રેક ધોવાતા અનેક ટ્રેન રદ્દ
વરસાદના કારણે ઘણી ટ્રેન સેવા રદ્દ કરવી પડી છે. કેટલાક સ્થળો પર રેલ્વે ટ્રેક ધોવાઇ જવાની ઘટના બની છે. કેટલાક રૂટ પર ટ્રેન રદ્દ કરી દેવાઇ છે. કોચિન હવાઇ મથક નજીક નહેરનું જળસ્તર વધ્યા બાદ એર્નાકુલમ જિલ્લાતંત્ર દ્વારા સ્થિતીની સમીક્ષા કરવામાં આવી હતી. આ નિર્ણય તેવા સમયે લેવામાં આવ્યો જ્યારે ઇદામલયાર બંધના ચાર દરવાજા ખોલીને વધારે પાણી છોડવામાં આવ્યું. ઇડુક્કી બંધનો પણ એક દરવાજો ખોલવામાં આવ્યો છે. બંધના દરવાજાને ખોલવાના કારણે પેરિયાર નદીનું જળ સ્તર વધ્યું.
એક જ પરિવારનાં 5 લોકોના મોત
સ્ટેટ ઇમરજન્સી સેન્ટરના અનુસાર ઇડુક્કીમાં 11, મલાપુરમમાં 5, કોઝીકોડમાં 1, વાયનાડમાં 3 અને કન્નોરમાં 2 લોકોનાં મોત થઇ ચુક્યા છે. ઇડુક્કીનાં અડીમાલી શહેરમાં એક જ પરિવારનાં પાંચ લોકોનાં મોત નિપજ્યા છે. અહીં પોલીસ અને સ્થાનિક લોકોએ કાટમાળમાંથી 2 લોકોની જીવીત બહાર કાઢ્યા છે.