સજા ભોગવી રહેલા એક હત્યારાનો પણ હોય છે માનવાધિકાર, કેરળનો આ કિસ્સો જ જોઈ લો
જયનંદનને પોલીસની નજર હેઠળ લગ્ન સમારંભમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે. જયનંદનની વકીલ પુત્રીએ તેના માતા-પિતાનો પક્ષ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. દંપતીને બે પુત્રી છે. કોર્ટ સમક્ષ કરવામાં આવેલી પોતાની અરજીમાં જયનંદનની પત્નીએ તેના પતિને લગ્નમાં હાજરી આપવા માટે પેરોલ આપવાની સત્તાધિકારીઓની અનિચ્છાને પડકારી હતી.
નવી દિલ્હીઃ કેરળના કોચ્ચીમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કુખ્યાત અપરાધી જયનંદનના પેરોલ કેરળ હાઈકોર્ટે મંજૂર કર્યા છે. જયનંદને પોતાની પુત્રીના લગ્નમાં હાજરી આપવા માટે પેરોલ માટે અરજી કરી હતી. કેરળ હાઈકોર્ટે જયનંદનના પેરોલ મંજૂર કરતા કહ્યું છે કે વ્યક્તિ કોઈ ગુના માટે સજા ભોગવતી હોય એટલે તેનો મતલબ એ નથી થતો કે તે વ્યક્તિ માનવી નથી રહેતી. જયનંદનની પત્નીની અરજી પર સુનાવણી બાદ કેરળના ત્રિશૂર જિલ્લાની હાઈ સિક્યોરિટી જેલમાં બંધ હત્યારા જયનંદનને રાહત મળી છે.
જયનંદનને પોલીસની નજર હેઠળ લગ્ન સમારંભમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે. જયનંદનની વકીલ પુત્રીએ તેના માતા-પિતાનો પક્ષ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. દંપતીને બે પુત્રી છે. કોર્ટ સમક્ષ કરવામાં આવેલી પોતાની અરજીમાં જયનંદનની પત્નીએ તેના પતિને લગ્નમાં હાજરી આપવા માટે પેરોલ આપવાની સત્તાધિકારીઓની અનિચ્છાને પડકારી હતી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ બેચુ કુરિયન થોમસે પોતાના આદેશમાં કહ્યું કે દીકરીના લગ્ન એક શુભ અવસર છે. આ સમારોહમાં કન્યાના પિતાની હાજરી સૌથી જરૂરી છે. જેને જોતાં કોર્ટે અપરાધીનાં પેરોલ મંજૂર કરવામાં આવે છે .
કોર્ટે કહ્યું છે કે લગ્નની જુદી જુદી વિધીઓ માટે જયનંદનને 21 માર્ચ, 2023ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પોતાના ઘરે જવાની પણ મંજૂરી છે, ત્યારબાદ તેને જેલમાં પાછો મોકલી દેવામાં આવશે. જો કે બીજા દિવસે 22 માર્ચે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ફરી તે લગ્ન પ્રસંગમાં હાજરી આપી શકે છે. આરોપીને તેનાં ઘરે લઈ જતી વખતે સલામતીને લગતાં જોખમો હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા પણ આદેશ અપાયો છે.
મહત્વનું છે કે જયનંદને 2003થી 2008 વચ્ચે 6 કેસમાં 8 લોકોની હત્યા કરી છે. તેની સામે હત્યાના બે કેસ નોંધાયેલા છે. જ્યારે ચોરીના 15 કેસમાંથી 8માં તે દોષિત સાબિત થયો હતો. તે ત્રણ વખત જેલમાંથી ભાગી ચૂક્યો છે.