કેરળ હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ મહિલાની શારીરિક સંરચના (બોડી) પર ટિપ્પણી કરવી એ શારીરિક ઉત્પીડન હેઠળ દંડનીય અપરાધની કેટેગરીમાં આવશે. જસ્ટિસ એ બદરૂદ્દીને આ મામલે કેરળ રાજ્ય વિદ્યુત બોર્ડ (કેએસઈબી)ના એક પૂર્વ કર્મચારીની અરજીને ફગાવતા આ ચુકાદો આપ્યો. અરજીમાં આરોપીએ તે જ સંગઠનની એક મહિલા કર્મચારી દ્વારા તેમના વિરુદ્ધ દાખલ યૌન ઉત્પીડનના કેસને રદ કરવાની અપીલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી 2013થી તેના વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો અને પછી 2016-17માં તેણે આપત્તિજનક સંદેશા અને વોઈસ કોલ મોકલવાના શરૂ કર્યા હતા. તેણે દાવો કર્યો હતો કે કેએસઈબી અને પોલીસમાં ફરિયાદ કરવા છતાં તે વ્યક્તિ તેને આપત્તિજનક સંદેશા મોકલતો હતો. તેની ફરિયાદો બાદ આરોપી પર આઈપીસીની કલમ 254એ (યૌન ઉત્પીડન) અને 509 (મહિલાની ગરીમાને અપમાનિત કરવી) અને કેરળ પોલીસ અધિનિયમની કલમ 120 (ઓ) (અનિચ્છનીય કોલ, પત્ર, લેખિત, સંદેશા મોકલવા માટે સંચારના કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરી પરેશાન કરવા) હેઠળ કેસ દાખલ થયો હતો. 


કેસને રદ કરવાની અપીલ કરતા વ્યક્તિએ દાવો કર્યો કે કોઈને તેની સુંદર કાયા બદલ ટિપ્પણી કરવી, આઈપીસીની કલમ 354એ અને 509 તથા કેરળ પોલીસ અધિનિયમની કલમ 120(ઓ) હેઠળ જાતિય સતામણીની શ્રેણીમાં માની શકાય નહીં. 



બીજી બાજુ મહિલાના પક્ષ તરફથી દલીલ કરાઈ કે આરોપીના ફોન કોલ અને સંદેશાઓમાં અભદ્ર ટિપ્પણીઓ હતી જેનો હેતુ પીડિતને પરેશાન કરવો અને તેની ગરિમાને ઠેસ પહોંચાડવાનો હતો. લાઈવ લોના રિપોર્ટ મજબ અભિયોજન પક્ષે એમ પણ કહ્યું કે KSEB માં કામ કરવા દરમિયાન આરોપીએ મહિલાના શરીરને જોઈને 'ફાઈન' કહ્યું હતું. કેરળ હાઈકોર્ટે અભિયોજન પક્ષની દલીલો સાથે સહમતિ વ્યક્ત કરી હતી.