નવી દિલ્હી: સરકારી શાળામાં મળનારા મિડ ડે મીલની ક્વોલિટી પર વાંરવાર અનેક સવાલો ઊભા થતા હોય છે. કેરળના એક આઈપીએસ અધિકારી હાલ આ મુદ્દે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. સરકારી શાળામાં મિડ ડે મીલની ગુણવત્તા ચેક કરવા માટે અલાપ્પુઝાના જિલ્લા કલેક્ટર એસ સુહાસે હાલમાં જ નીર્કુન્નમની સરકારી શાળાની મુલાકાત લીધી અને ત્યાં મળનારા ભોજનની ક્વોલિટી ચેક કરી. આ માટે તેમણે કોઈને સવાલ જવાબ કર્યાં નહીં. પરંતુ પોતે બાળકો સાથે જઈને બેસી ગયા અને ભોજન કર્યું. ઈન્ટરનેટ પર કલેક્ટર એસ સુહાસ દ્વારા બાળકો સાથે એક જ બેન્ચ પર બેસીને ભોજન કરવાની તસવીરો સામે આવ્યાં બાદ લોકો તેમને ખુબ બિરદાવી રહ્યાં છે. તેમના આ પગલાંએ બાળકોના તો મન જીતી જ લીધા સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ તેઓ છવાઈ ગયાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસ સુહાસે બુધવારે લંચ સમયે શ્રી દેવી વિસલમ સરકારી શાળાની મુલાકાત લીધી અને બાળકોને મળીને મિડ ડે મીલની ચકાસણી કરી. ભોજનની ક્વોલિટી ચકાસવા માટે તેઓ બાળકો સાથે જ ભોજન કરવા બેસી ગયાં. અધિકારીના પ્રવાસની આ તસવીરો તેમના ફેસબુક પેજ પર શેર કરવામાં આવી ત્યારબાદથી લોકો તેને ખુબ બિરદાવી રહ્યાં છે. આ પોસ્ટને અત્યાર સુધી 3500 લોકોએ શેર કરી છે.



અલાપ્પુઝાના જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે તેમને છેલ્લા કેટલાક સમયથી આ શાળામાં મળતા મિડ ડે મીલ અંગે ફરિયાદો મળી રહી હતી. આથી તેમણે સરપ્રાઈઝ મુલાકાત લેવાનું વિચાર્યું. સુહાસે કહ્યું કે મેં શાળાની મુલાકાત લીધી અને મને શાળાની સ્થિતિ ખુબ સંતોષજનક લાગી. મિડ ડે મીલ અંગે ફરિયાદો મળતી હતી આથી બાળકો સાથે બેસીને ભોજન કર્યું. મને ખાવામાં કોઈ સમસ્યા લાગી નહીં. બાળકો સાથે મળીને સમય વિતાવવો ખુબ સારું લાગ્યું. આ સાથે જ કલેક્ટરે શાળાની લાઈબ્રેરી અને કોમ્પ્યુટર લેબની પણ મુલાકાત લીધી. ફેસબુક પોસ્ટ મુજબ શાળાના હેડમાસ્ટરે કલેક્ટર પાસે પરિસરમાં જગ્યાની અછત હોવાની સમસ્યા રજુ કરી હતી.