નવી દિલ્હી: જાલંધરના એક બિશપ ફ્રેંકો મુલક્કલ દ્વારા કેરળની એક નનના શારીરિક શોષણનો મામલો ખુબ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા આ મામલે કેરળમાં મોટી સંખ્યામાં નનોએ પ્રદર્શન કરીને ફ્રેંકો મુલક્કલની ધરપકડની માગણી કરી હતી. જો કે પોલીસે હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. પરંતુ આ દરમિયાન કેરળના એક અપક્ષ ધારાસભ્યે નન વિરુદ્ધ ખુબ આપત્તિજનક નિવેદન આપીને એક નવો વિવાદ પેદા કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા સાથે વાતચીત કરતા પી સી જ્યોર્જ નામના આ ધારાસભ્યે પીડિત નનને પ્રોસ્ટિટ્યૂટ (વેશ્યા) સુદ્ધા કહી દીધુ. મીડિયા સાથે વાતચીતમાં આ ધારાસભ્યે કહ્યું કે તે વેશ્યા છે તેમાં કોઈ શંકા નથી. 12 વખત કોઈ વસ્તુ તમારા માટે મજા છે અને 13મી વખત તે રેપ બની જાય છે.  જ્યારે તેની સાથે 12 વખત આમ થઈ રહ્યું હતું ત્યારે તે ક્યાં હતી. ત્યારે તેણે કેમ કોઈને કહ્યું નહીં. જ્યારે પહેલીવાર થયું ત્યારે જ તેણે ફરિયાદ કેમ કરી નહીં. 


પીસી જ્યોર્જ કેરળની પૂંજાર સીટથી ધારાસભ્ય છે. જાલંધરના બિશપ વિરુદ્ધ આરોપ લગાવનારી કેરળની નનનું કહેવું છે કે 2014થી 2016 સુધીમાં બિશપે 13 વાર તેનું શારીરિક શોષણ કર્યું. નન વિરુદ્ધ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવા બદલ નનના પરિવારનું કહેવું છે કે તેઓ ધારાસભ્ય જ્યોર્જ વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડવા પર વિચાર કરી રહ્યાં છે. કારણ કે તેમણે અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. 


પરિવારજનોનું કહેવું છે કે આરોપ લગાવનારી નન રવિવારે મીડિયાને મળવાની હતી. શનિવારે તેના સમર્થનમાં કેરળમાં અનેક નનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજ કારણે તે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાના સવાલોના જવાબ આપવા માંગતી હતી, પરંતુ જ્યારથી જ્યોર્જે તેના વિરુદ્ધ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે ત્યારથી તેણે પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધી છે. હવે તે કોઈને મળવા માંગતી નથી. આ સમગ્ર ઘટનાક્રમથી તે ખુબ દુ:ખી છે.