નવી દિલ્હી: કેરળ (Kerala) ના ઈડુક્કી જિલ્લાના રાજમાલામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન (Landslide) થયું છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 57થી વધુ લોકો દટાયેલા કે ગુમ હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળ પર રાહતકામ ચાલુ છે. દસ લોકોને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે. વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. રાહતકાર્ય માટે અનેક ટીમો કામે લાગી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજમાલામાં નેમ્મક્કડ એસ્ટેટના પેટીમૂડી ડિવિઝનમાં 20 પરિવારોના ઘર પર એક મોટી પહાડી પડી. પરિવારના સભ્યો કિચ્ચડ અને કાટમાળ નીચે દટાયેલા હોવાનું કહેવાય છે. એનડીઆરએફ સહિતની રાજ્યની અનેક ટીમો દુર્ઘટનાસ્થળે પહોંચવાની કોશિશ કરી રહી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રેસ્ક્યુ ટીમોને પરેશાની થઈ રહી છે. 



છેલ્લા ચાર દિવસથી મુન્નાર પહાડી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ વિસ્તારમાં બે દિવસથી વીજ પૂરવઠો પણ નથી. કેરળના મુખ્યમંત્રીએ વાયુસેના પાસે હેલિકોપ્ટરની માગણી કરી છે. જેથી કરીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી શકાય. આ સાથે જ રેસ્ક્યુ ઓપરેશન માટે 50 લોકોની ટીમને મોકલવામાં આવી છે.