Nipah virus case Kozhikode: કેરળમાં એકવાર ફરીથી નિપાહ વાયરસની દહેશત જોવા મળી રહી છે. આ જીવલેણ વાયરસથી બે દર્દીઓના મોતની પુષ્ટિ થયા બાદ કેરળ સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે નિપાહ વાયરસનું આ બાંગ્લાદેશવાળું વેરિએન્ટ ખુબ ખતરનાક છે. પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે આ વાયરસ માણસથી માણસમાં ફેલાય છે. તેના ફેલાવાની ઝડપ ભલે ઓછી હોય પરંતુ તે ખુબ જ ખતરનાક હોય છે. સ્વાસ્થ્ય મંત્રીએ સ્વીકાર્યું કે કોઝિકોડમાં એક દર્દીનું મોત આ વાયરસના કારણે થયું છે. અત્રે જણાવવાનું કે ગત મહિનાની 30 તારીખે પણ રાજ્યમાં એક દર્દીએ નિપાહ વાયરસના કારણે દમ તોડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિપાહની રસી નથી બની
2018 બાદ આ ચોથી વાર બન્યું છે કે કેરળમાં નિપાહ વાયરસનો કહેર જોવા મળ્યો છે. 2018માં જ્યારે પહેલીવાર કેરળમાં નિપાહ વાયરસ જોવા મળ્યો હતો ત્યારે 23 સંક્રમિત લોકોમાંથી 21 લોકોના મોત થયા હતા. વર્ષ 2019માં અને 2021માં પણ નિપાહના કેસ સામે આવ્યા હતા. આ વાયરસ ચામાચિડિયાથી ફેલાય છે. ખુબ તાવ, શરીરમાં દુખાવો, ઉલ્ટી તેના લક્ષણો હોય છે. 


તેની દહેશતનું સૌથી મોટું કારણ એ છે કે તેની રસી નથી. તેની કોઈ સ્પેશિયલ દવા પણ નથી. આ વાયરસ સીધે સીધો બ્રેઈન અને નર્વસ સિસ્ટમ પર એટેક કરે છે. તેનાથી સંક્રમિત વ્યક્તિ કોમામાં જઈ શકે છે. અત્રે જણાવવાનું કે નિપાહની ઓળખ 1999માં મલેશિયાઅને સિંગાપુરમાં થઈ હતી. 


ખજૂરના ઝાડથી ફેલાયો!
મીડિયા રિપોર્ટ્સ મુજબ બાંગ્લાદેશમાં વર્ષ 2016માં નિપાહ વાયરસના સંક્રમણથી અનેક લોકોના મોત થયા હતા. જો કે નિપાહ સંક્રમિતોના આંકડા અંગે અનેક દાવા કરવામાં આવ્યા. મેડિકલ એક્સપર્ટની તપાસ બાદ એ પણ કહેવાયું હતું કે આ વાયરસ ખજૂરના ઝાડ અને તેના ફળથી ફેલાયો. ખજૂરના ઝાડ પર ચામાચિડિયા ભેગા થતા હતા. ત્યારબાદ જે લોકોએ ખજૂરના તે ઝાડથી કાઢવામાં આવેલા ઉત્પાદનો વાપર્યા તે બીમાર પડી ગયા. નિપાહનું આ જ બાંગ્લાદેશી વેરિએન્ટ કેરળમાં લોકોને ડરાવી રહ્યું છે. કેરળની સ્થિતિની સમીક્ષા માટે એક્સપર્ટ્સની એક ટીમ દિલ્હીથી ત્યાં પહોંચી છે અને તપાસ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube