ખતરનાક નિપાહ વાયરસનો ખોફ, સારવાર કરનાર નર્સે પણ જીવ ગુમાવ્યો
તાજેતરમાં વધુ એક ખતરનાક વાયરસ કહેર મચાવી રહ્યો છે. નિપાહ નામના આ વાયરસગ્રસ્ત દર્દીની સારવાર કરનાર નર્સનું પણ મોત નીપજ્યું છે.
નવી દિલ્હી : કેરલના કોઝિકોડ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કથિત રૂપથી નિપાહ નામનો વાયરસ કહેર મચાવી રહ્યો છે. અત્યાર સુધી આ વાયરસથી 11 લોકોના મોત થયા છે. ચોંકાવનારી ગંભીર બાબત તો એ છે કે રવિવારે કેરલના કોઝિકોડ જિલ્લામાં નિપાહ નામના વાયરસથી એક જ પરિવારના ત્રણ સભ્યો અને અન્ય બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. મોતના આ ખોફથી છેવટે રાજ્ય સરકાર એલર્ટ બની છે અને રાજ્યના આરોગ્ય મંત્રી કે કે શ્યાલાએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાબડતોબ બેઠક કરી અને સત્વરે યોગ્ય પગલાં ભરવા તાકીદ કરી. વધુમાં એમણે કહ્યું કે, જે વિષાણુંથી આ બિમારી પેદા થઇ રહી છે એ અંગે જોકે હજુ સુધી ખાસ કંઇ વિગતો નથી સાંપડી રહી. લોહી અને અન્ય નમુના પૂણેની રાષ્ટ્રીય વાયરસ સંસ્થામાં મોકલાયા છે અને આગામી દિવસોમાં પરિણામ આવ્યા બાદ વધુ નક્કર વિગતો જાણી શકાશે.
10 દિવસ બાદ બેકાર થઇ જશે આધાર કાર્ડ...
રવિવારે આ વાયરસથી એક નર્સનું પણ મોત નીપજ્યું છે. જે હોસ્પિટલમાં કામ કરતી હતી. રિપોર્ટ અનુસાર હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદ નર્સ પણ શિકાર બની હતી. જેથી આશંકા સેવાઇ રહી છે કે આ વાયરસ સંપર્કથી પ્રસરી રહ્યો છે જેથી નર્સની લાશ પરિવારને ન સોંપતાં સઘન સુરક્ષા વચ્ચે અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા.
સની લિયોન જુઓ એક નવા અવતારમાં...
સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસારા કોઝિકોડના જિલ્લા અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરની એક ખાસ બેઠક બોલાવાયા બાદ એક સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. આરોગ્ય કમિશ્નર ડો.આર એલ સરિતાએ આ બેઠક બાદ વિશેષ ટીમ બનાવી કોઇ પણ આકસ્મિક સ્થિતિના પડકાર માટે અને અલગ વોર્ડની સુવિધા ઉભી કરાઇ છે.
કેન્દ્રની માંગી મદદ
શનિવારે જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં 50 વર્ષિય મહિલાનું મોત થયું હતું. જ્યારે એના 25 અને 23 વર્ષના બે પરિવારજનોના ક્રમશ 18 અને 5 મેના રોજ મોત નીપજ્યાં હતા. આ અગાઉ લોકસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મુલ્લાપલ્લી રામચંદ્રને કેરલના કોઝિકોડ જિલ્લામાં વાયરસનો કહેર રોકવા માટે કેન્દ્રની મદદ પણ માંગી છે.
ઝડપથી ફેલાઇ રહ્યો છે વાયરસ
કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાને લખાયેલા પત્રમાં રામચંદ્રને કહ્યું છે કે, એમના લોકસભા મત વિસ્તાર વતાકરામાં કુટ્ટિયાડી તથા પેરમ્બ્રા સહિત વિસ્તાર ઘાતક વાયરસની લપેટમાં આવ્યો છે. તેમણે કહ્યું કે, તબીબો એને નિપાહ વાયરસ કહી રહ્યા છે જ્યારે કેટલાક એને જૂનોટકિ વાયરસ કહી રહ્યા છે. આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
કેન્દ્રિય ટીમ કરશે તપાસ
આ દરમિયાન દિલ્હીથી મળી રહેલ વિગતો અનુસાર, કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાએ રવિવારે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના ડાયરેક્ટરને રાજ્ય સરકારની સહાયતા કરવા માટે કેરલના કોઝિકોડની મુલાકાત લેવાની તાકીદ કરી છે. મંત્રીના આદેશ બાદ કેન્દ્રની એક ટીમ કેરલ આવશે અને સ્થિતિની સમીક્ષા કરશે.