કેમ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે કલાકારો? વર્ષો જૂનો છે પંજાબી ગાયકોની હત્યાનો સિલસિલો
![કેમ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે કલાકારો? વર્ષો જૂનો છે પંજાબી ગાયકોની હત્યાનો સિલસિલો કેમ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે કલાકારો? વર્ષો જૂનો છે પંજાબી ગાયકોની હત્યાનો સિલસિલો](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2022/06/01/387339-panjabisingggerrr.jpg?itok=UPsjgQA1)
પંજાબી સિંગરોની હત્યાનો સિલસિલો 36 વર્ષ જુનો છે. આતંકના ઓથાર હેઠળ અનેક સિંગરો જીવી ચુક્યા છે. જ્યારે, પંજાબના ત્રણ મોટા સિંગરની હત્યા થઈ હતી.
યશ કંસારા, અમદાવાદઃ જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાની સાથે જ પંજાબના જુના જખ્મ તાજા થયા છે. પંજાબે એ દોર પણ જોયો છે જ્યારે સિંગરોની જિંદગી બેહાલ બની હતી. આપણાં ત્યાં લાંબા સમયથી કલાકારો પણ કોઈકને કોઈક પ્રકારે અંડરવર્લ્ડ કે અન્ય ગુનાખોરોનું દબાણ રહ્યું છે. મુંબઈની વાત કરીએ તો બોલીવુડની માયાનગરમાં તો ખંડણીખોરોથી માંડીને ગેંગસ્ટરો સુધીના લોકો અભિનેતા, અભિનેત્રીઓ અને ગાયકો સહિતના કલાકારો પાસે પૈસા માટે દબાણ કરતા રહ્યાં છે. ત્યારે પંજાબમાં તો આ સિલસિલો આજકાલનો નથી, પણ વર્ષોથી ચાલ્યો આવે છે.
અવતાર સિંહ સંધૂઃ
આ ઘટનાક્રમમાં સૌથી પહેલું નામ અવતાર સિંહ સંધૂનું છે. જેમને પંજાબમાં પાશના નામથી પણ લોકો જાણતા હતા. પાશ પોતાના સમયમાં ક્રાંતિકારી સિંગર હતા અને તેમના ગીત પંજાબમાં જ નહીં પણ ભારતભરમાં લાખો લોકોને પસંદ કરતા હતા. આ એ સમયની વાત છે જ્યારે પંજાબ આતંકીની અગ્નીમાં બળી રહ્યું હતું. વર્ષ 1988માં જાલંધરમાં તલવંડી સલેમ ગામમાં આતંકીઓએ અવતાર સિંહ સંધૂ ઉર્ફે પાશની તેમના જ ગામમાં ગોળી મારી હત્યા કરી હતી. તે સમયે પાશની ઉંમર માત્ર 37 વર્ષ હતી.
અમર સિંહ ચમકીલાઃ
1980ના દાયકામાં પોતાના રોમેન્ટિક ગીતો માટે અમર સિંહ ચમકીલાનું નામ કામયાબીના આકાશ પર હતું. પંજાબના દરેક યુવકના મોઢે ચમકીલાના ગીતો રહેતા. પોતાના સમયના સિંગરો કરતા ચમકીલાની સંપતિમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો હતો. તેમના ગીતોમાં વ્યસનનો વિરોધ અને બહાદુરીના કિસ્સા સાંભળવા મળતા હતા. જેના કારણે ચમકીલાની લોકપ્રિયતા વધી રહી હતી. જોકે, 8 માર્ચ 1988ના રોજ 27 વર્ષના અમર સિંહ ચમકીલાને ગોળીઓ મારી હત્યા કરવામાં આવી. જ્યારે, હજુ સુધી ચમકીલાની હત્યા કેમ થઈ તે મોટો સવાલ છે.
વિરેન્દર સિંહઃ
1988માં લુધિયાણામાં પંજાબી ફિલ્મોના એક્ટર અને બૉલીવૂડના સુપરસ્ટાર ધર્મેન્દ્રના ભાઈ વિરેન્દર સિંહની પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેની પાછળનું કારણ પોલિસે અંગત દુશમની આપ્યું હતું.
દિલશાદ અખ્તરઃ
1996માં પંજાબના ગુરદાસપુરમાં એક લગ્ન સમારોહમાં પર્ફોમ કરવા આવેલા દિલશાદ અખ્તરની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ ક્યાંથી આવ્યા હતા અને હત્યા પાછળનું કારણ શું હતું એ આજ સુધી જાણવા નથી મળ્યું.
પરમીશ વર્માઃ
2018માં મોહાલીમાં એક શૂટઆઉટ થયું હતું. જે દરમિયાન પંજાબના મોટા સિંગરોમાંથી એક પરમીશ વર્માને પગના ભાગે ગોળી વાગી હતી. જોકે, તેનો જીવ બચી ગયો હતો. પરમીશ પર હુમલો ત્યારે થયો જ્યારે તે એક કાર્યક્રમમાં પરત થઈ રહ્યો હતો.
ગિપ્પી ગરેવાલઃ
વર્ષ 2018માં વધુ એક પંજાબી સિંગર ગિપ્પી ગરેવાલને મારી નાખવાની ધમકીઓ મળી હતી. જે બાદ તેના પર જીવલેણ હુમલો થયો. ગિપ્પીની વારંવાર ધમકીભર્યા વ્હોટ્સેપ કોલ આવતા હતા. પોલીસે આ બાબતે તપાસ કરતા ગેંગસ્ટર દિલપ્રિત સિંહ બાબાનું નામ સામે આવ્યું અને તેની સામે કેસ કરવામાં આવ્યો હતો.
મનકીરત ઔલખઃ
ત્યારે, થોડા સમય પહેલા જ અન્ય એક પંજાબી સિંગર મનકીરક ઔલખને ફેસબુક પોસ્ટના માધ્યમથી મારી નાખવાની ધમકી મળી છે. પોતાની ઓળખ ઉજાગર કર્યા વગર કોઈ ગેંગે ઔલખની લખીને મોકલ્યું કે હવે તારું શું થશે? જોકે બાદમાં આ પોસ્ટ હટાવી લેવામાં આવી હતી.
સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આ માહોલમાં પોલીસે મનકીરત ઔલખને મળેલી ધમકીની તપાસ શરૂ કરી છે.