Kisan Andolan: ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો, જાણો શું છે એ MSP પર 5 વર્ષવાળો `ફોર્મ્યૂલા`?
Farmers Protest Latest News: ખેડૂતોએ પાંચ પાક પર MSP નો કેન્દ્રનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. ખેડૂતોએ 23 પાક પર એમએસપીની માંગણી કરતા સરકારના પ્રસ્તાવને પોકળ ગણાવ્યો. ખેડૂતોના વિરોધનું નેતૃત્વ કરી રહેલા ખેડૂત નેતાઓમાંથી સરવનસિંહ પંઢેરે કહ્યું કે સરકારની નિયતમાં ખોટ છે.
Farmers Protest Latest News: ખેડૂતોએ પાંચ પાક પર MSP નો કેન્દ્રનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. ખેડૂતોએ 23 પાક પર એમએસપીની માંગણી કરતા સરકારના પ્રસ્તાવને પોકળ ગણાવ્યો. ખેડૂતોના વિરોધનું નેતૃત્વ કરી રહેલા ખેડૂત નેતાઓમાંથી સરવનસિંહ પંઢેરે કહ્યું કે સરકારની નિયતમાં ખોટ છે. સરકાર સાથે અસહમતિ દર્શાવતા ખેડૂતોએ દિલ્હી કૂચની જાહેરાત પણ કરી દીધી છે. ખેડૂતોએ કહ્યું કે તેઓ 21 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરશે.
આ અગાઉ કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે 8, 12 અને 15 ફેબ્રુઆરીના રોજ પણ વાતચીત થઈ હતી. અત્યાર સુધીની બેઠકોનું કોઈ પરિણામ આવ્યું નથી. જો કે રવિવારે થયેલી બેઠકમાં સરકારે ખેડૂતો સામે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પણ સરકારના આ પ્રસ્તાવને પણ ખેડૂતોએ ફગાવી દીધો છે. ખેડૂતોનું કહેવું છે કે તેને માપ તોલ કરવામાં આવે તો કશું જ નથી. સરકારના આ પ્રસ્તાવ અંગે ખેડૂત નેતાઓએ સોમવારે શંભુ બોર્ડર પર બેઠક કરી હતી.
શું હતો સરકારનો ફોર્મ્યૂલા?
ચાર કલાક સુધી રવિવારે ચાલેલી બેઠકને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે સકારાત્મક ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોની સામે MSP એટલે કે ટેકાના ભાવ અંગે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમના જણાવ્યાંમુજબ ખેડૂતોની સામે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે સરકારી એજન્સીઓ એમએસપી પર ખેડૂતો પાસેથી તુવેર, અડદ, મકાઈ, કપાસ સહિત 5 પાકને ખરીદશે. આ ખરીદી આગામી પાંચ વર્ષ માટે રહેશે. તેમણે જણાવ્યું કે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યૂમર ફેડરેશન (NCCF) કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (NAFED) જેવી કોઓપરેટિવ સોસાયટીઓ પાંચ વર્ષ માટે ખેડૂતો સાથે એક કોન્ટ્રાક્ટ કરશે.
આ કોન્ટ્રાક્ટ એવા ખેડૂતો સાથે થશે જે દાળ અને મકાઈનો પાક વાવે છે. સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી આગામી પાંચ વર્ષ સુધી એમએસપી પર દાળ અને મકાઈ ખરીદશે. આ ઉપરાંત એ પણ પ્રસ્તાવ રજૂ કરાયો કે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પાંચ વર્ષ સુધી એમએસપી પર કપાસ ખરીદવામાં આવશે.
ખરીદીની કોઈ સીમા નહીં
ખેડૂતોનો ગુસ્સો શાંત કરવા માટે સરકારે જે પ્રસ્તાવ રજૂ કર્યો તેમાં ખાસ વાત એ હતી કે આ સમજૂતિ હેઠળ ખરીદીની કોઈ સીમા નહી હોય. પીયુષ ગોયલે જણાવ્યું કે દાળ અને મકાઈની ખરીદીી કોઈ મર્યાદા નહીં હોય. સરકારી એજન્સીઓ ઇચ્છે એટલી ખરીદી કરી શકશે. આ સાથે જ તે બધા માટે એક પોર્ટલ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે તેનાથી પંજાબની ખેતી બચશે અને ભૂગર્ભ જળ સ્તરમાં પણ સુધારો થશે. આ સાથે જ પહેલેથી ઉજ્જડ થઈ રહેલી જમીનને પણ બચાવી શકાશે.
ખેડૂતો બોલ્યા હતા કે વિચારીશું
ખેડૂત નેતાઓએ આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. જો કે રવિવારની બેઠક બાદ ખેડૂતોનું કહેવું હતું કે સરકારના આ પ્રસ્તાવ પર વિચાર કરીશું. સોમવારે ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે જણાવ્યું કે સરકારના આ પ્રસ્તાવ પર ખેડૂતો સાથે ચર્ચા થશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે એમએસપીની લીગલ ગેરંટીની માંગણીથી પીછેહટ નહીં કરાય. પંઢરે કહ્યું કે હતું કે ખેડૂતો સાથે ચર્ચા કરાશે. આ સાથે જ કૃષિ એક્સપર્ટ અને લીગલ એક્સપર્ટ સાતે પણ ચર્ચા કરીશું અને ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.
ખેડૂતોની શું છે માંગણી
ખેડૂતોની સૌથી મોટી માંગણી એ છે કે એમએસપી પર કાનૂની ગેરંટી આવે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર એમએસપી પર કાયદો લઈને આવે. ખેડૂતો એમએસપી પર સ્વામીનાથન આયોગની ભલામણોને લાગૂ કરવાની પણ માંગણી કરી રહ્યા છે. કિસાન સંગઠનોનો દાવો છે કે સરકારે તેમને એમએસપીની ગેરંટી પર કાયદો લાવવાનો વાયદો કર્યો હતો. પરંતુ હજુ સુધી એવું બની શક્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube