નવી દિલ્હી : હાલ પાકિસ્તાને છંછેડેલા મુંબઈના જિન્ના હાઉસના મુદ્દાથી ભારતમાં શત્રુ સંપત્તિનો મુદ્દો ફરીથી ચગ્યો છે. પાકિસ્તાને મુંબઈના માલાબારમાં આવેલ મોહંમદ અલી જિન્નાના ઘર પર હક જતાવ્યો છે. ત્યારે ભારતે આ બંગલો પાકિસ્તાનને આપવાની ઘસીને ના પાડી દીધી છે. આ ઉપરાંત સરકારે 8 નવેમ્બરના રોજ સંસદમાં 49 વર્ષ જૂની શત્રુ સંપત્તિ એક્ટમાં બદલાવ કર્યો હતો. જે અંતર્ગત દેશ વિભાજન દરમિયાન પાકિસ્તાન અને ચીન જઈને વસેલા લોકોના ઉત્તરાધિકારીઓનો આ સંપત્તિ પરથી દાવો નાબૂદ થઈ ગયો છે. સરકાર આ સંપત્તિને કબજામાં લઈને વેચવાની તૈયારીમાં છે. શત્રુ સંપત્તિની હાલની માર્કેટ કિંત અંદાજે 3000 કરોડ રૂપિયા છે. કસ્ટોડિયનની પાસે પડેલી શત્રુ સંપત્તિના શેર વેચવાથી સરકારને આવક તો થશે, સાથે જ તેના ઉપયોગનું લક્ષ્યાંક પણ પૂરુ થશે. ત્યારે આ પહેલા જાણી લો કે શુ છે આ કાયદો અને તે કેવી રીતે લાગુ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે શત્રુ સંપત્તિ
1962માં ભારત-ચીન યુદ્ધ અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ ભારત સરકારે આ દેશોમાં જઈને વસેલા ભારતીય નાગરિકોની સંપત્તિ સીઝ કરી હતી. આ સંપત્તિઓને શત્રુ સંપત્તિ બતાવી હતી. આ સંપત્તિઓમાં જમીન, મકાન, પેઢી, શેર, બેંક બેલેન્સ, પ્રોવિડન્ટ સહિત અન્ય ચીજો સામેલ છે. હાલ આ સંપત્તિની દેખરેખની જવાબદારી કસ્ટોડીયન ઓફ એનેમી પ્રોપર્ટી ફોર ઈન્ડિયાની પાસે છે. યુદ્ધ દરમિયાન ચીન અને પાકિસ્તાન છોડનારા ભારતીયોની સંપત્તિની સુરક્ષા કરવામાં અસફળ રહ્યા બાદ ભારત સરકારે આ પગલુ ઉઠાવ્યું હતું. 


શું છે આ સંપત્તિની કિંમત
લોકસભામાં પૂછાયેલ આ સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે દેશમાં 9280 કરોડ અચળ શત્રુ સંપત્તિ હોવાનું જણાવ્યું હતું. આ તમામ સંપત્તિ પાકિસ્તાની નાગરિકો સાથે સંબંધિત છે. આ કુલ સંપત્તિ 12000 એકરમાં ફેલાયેલી છે અને તેની કિંમત 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. 


આવી સંપત્તિઓ પર છે આંતરરાષ્ટ્રીય એગ્રીમેન્ટ
ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1665માં થયેલ યુદ્ધ બાદ તાશકંદ કરારમાં આ વાત પર સહમતી બનાવાઈ હતી કે બંને દેશ વિવાદ દરમિયાન જપ્ત કરાયેલી સંપત્તિઓ અને એસેટ્સને પરત કરશે. જોકે, પાકિસ્તાન સરકારે આ કરારને અમલ ન કરતા 1971માં ભારતીય નાગરિકો અને કંપનીઓ સંબંધિત પાકિસ્તાનમાં આવેલી તેમની સંપત્તિને વેચી દીધી હતી. બીજી તરફ, ભારતમાં આ સંપત્તિઓ હજી પણ કસ્ટોડિયન ઓફ એનેમી પ્રોપર્ટીના નિયંત્રણમાં જ છે. 


સૌથી વધુ યુપી અને બંગાળમાં છે
ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આવી 80 ટકા શત્રુ સંપત્તિઓ છે. તેમાંથી અંદાજે 98 ટકા પાકિસ્તાની નાગરિકો સાથે સંબંધિત છે.


આવો કાયદો પહેલા પણ હતો
આ પહેલા પણ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ 1939માં ડિફેન્સ ઓફ ઈન્ડિયા એક્ટ લાગુ કર્યો હતો. જેના અંતર્ગત જર્મની, જાપાન અને ઈટલીના નાગરિકોની સંપત્તિને એનેમી પ્રોપર્ટી જાહેર કરી હતી. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે, આ દેશના નાગરિક ભારતની કોઈ પણ સંપત્તિનો લાભ નહિ લઈ શકે. દેશની આઝાદી બાદ આ એક્ટ નાબૂદ થઈ ગયો હતો.